- રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- કૃષિપેકેજ જાહેર થાય તેવી શક્યતાઓ, નવરાત્રીના નિયમો મુદ્દે થશે ચર્ચા
- મગફળીની ખરીદી અને રજિસ્ટ્રેશન બાબતે નિયમ
- મહેસૂલપ્રધાનના સમયસર આવવાના સૂચનો પર થશે ચર્ચા
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપણા હેઠળ કેબિનેટ બેઠક બુધવારે એટલે કે આજે સવારે 10:30 કલાકે મળશે. આ કેબિનેટ બેઠકમાં 7મીથી શરૂ થનારી નવરાત્રી બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મોટા પાર્ટી પ્લોટ અને મોટા આયોજકો દ્વારા નવરાત્રી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શેરીગરબા માટેની પરવાનગી આપે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આમ જે રીતે કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકાર નવરાત્રી બાબતે મહત્વની જાહેરાત કરી શકે છે.
કૃષિપેકેજની થઈ શકે છે જાહેરાત
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદના કારણે સર્વે કરવાની કામગીરી હવે પૂર્ણ થઇ છે. ત્યારે મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં કૃષિ પેકેજનો આંકડો નક્કી કરીને રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાનો પત્રકાર પરિષદ કરીને કૃષિપેકેજ જાહેર કરી શકે છે.
મગફળી રજિસ્ટ્રેશન બાબતે થશે ચર્ચા
મહત્વની વાત કરવામાં આવે તો 1 ઓકટોબરથી ગુજરાતના ખેડૂતોને મગફળીના ટેકાના ભાવે ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે અનેક જિલ્લાઓમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી મંદ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે આ બાબતે પણ વિશેષ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે મગફળીના રજિસ્ટ્રેશન અને ત્યારબાદ મગફળીની ખરીદી દરમિયાન મગફળીના સ્ટોકને સહીસલામત જગ્યાએ રાખવા માટે ગોડાઉનનું પણ આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Groundnut registration started: પ્રથમ 4 કલાકમાં 13,681 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
આ પણ વાંચોઃ ગરબા રમવા માટે ડ્રેસ અને ઓર્નામેન્ટની સાથે ખેલૈયાઓએ કોરોના વેક્સિનના લીધા બન્ને ડોઝ