ગાંધીનગરઃ આંતરરાજ્ય ચોરીમાં સક્રિય બન્ટીબબલી પકડવામાં ગાંધીનગર પોલિસને સફળતા મળી છે. ચીલોડાથી દહેગામ તરફ જતાં અશ્વમેઘ કોમ્પલેક્સ પાસેથી આરોપીને ઝડપી લેવાયો હતો. ચોરીના દાગીના વેચવા નીકળેલા ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઈ પરમાર (છારા, રહે સ્વામીનારાયણ પાર્ક બી-24, મકાન નં-403, નવા નરોડા) પાસેથી એક ચાંદીનું મોટુ છત્ર, એક પાવડી તથા ચાંદીની લગડી મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતાં તે ચોરીના હોવાનું સામે આવ્યું હતું. આરોપી પોતાની બીજી પત્ની ગીરા પરમાર સાથે મળી બપોરના સમયે ચોરી કરતો હતો. જેમાં થોડા સમય પહેલાં સરગાસણ ગામની સીમમાં આવેલા ખેતરમાં ગોગા મહારાજ તથા જોગણી માતાના મંદિરમાંથી ચાંદીના 20 છત્તર ચોરી કર્યા હતા. જે સોનીને આપીને તેને લગડી બનાવી દીધી હતી.
આજથી બાર દિવસ પહેલાં લેકાડવા ગામે વહાણવટી માતાના મંદિરમાંથી એક મોટું ચાંદીનું છત્તર અને ચાંદીની પાવડીની જોડ ચોરી હતી. બંને ચોરી અંગે ઈન્ફોસિટી અને ચીલોડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયાં છે. આ સાથે આરોપીએ પત્ની તથા મિત્ર નિકુંજ બોરીચા સાથે એક વર્ષ પહેલાં સાદરા ખાતે મંદિરમાં ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. આરોપી પાસેથી મળેલું GJ-23-5838 નંબરનું બાઈક પણ ચોરીનું છે. જે તેણે દોઢેક વર્ષ અગાઉ ભત્રીજાના મિત્ર હરસિદ્ધ રાઠોડ (રહે-સરદારનગર) પાસેથી 4 હજારમાં લીધું હતું.