કોઈ પણ સરકારી ઓફિસના દસ્તાવેજને મહત્વના ગણવામાં આવે છે. જો કોઇ અનઅધિકૃત વ્યક્તિ પાસે આવા દસ્તાવેજ પહોંચી જાય તો ગેરનીતિ થવાના ચાન્સ વધી જતા હોય છે. પરંતુ ગુજરાત શિક્ષણ બોર્ડના મહત્વના દસ્તાવેજો અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર કચરા સ્વરૂપે જોવા મળ્યા હતા. જેની વિગત શિક્ષણ બોર્ડ સમક્ષ આવતા બોર્ડ દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શિક્ષણ બોર્ડના મહત્વના દસ્તાવેજો અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટ પર મળવા અંગે શિક્ષણ બોર્ડના કંટ્રોલર ઓફ એકાઉન્ટ એન્ડ સ્ટોર અધિકારી એન.આર.પટેલે જણાવ્યું હતું કે, આ બાબતેનો કોન્ટ્રાક્ટ અમદાવાદના અમીના ટ્રેડર્સને આપવામાં આવ્યો હતો.
પીરાણા ડમ્પિંગ સાઇટ પરથી શિક્ષણબોર્ડના મહત્વના જે દસ્તાવેજ મળ્યા છે તે, 3 મહિના જૂના પેપર છે. જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવશે અને આવનાર સમયમાં કોઈ પણ કોન્ટ્રાકટ બોર્ડ સાથે નહીં થઈ શકે તેવી પણ કામગીરી કરવામાં આવશે.
અમદાવાદના ડમ્પિંગ સાઇટ પાસે કચરા સ્વરૂપે મળેલા શિક્ષણ બોર્ડના દસ્તાવેજ કોન્ટ્રાક્ટ દ્વારા ફેંકવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. નિયમ પ્રમાણે જે દસ્તાવેજ સરકારના કામમાં ન હોય, તે દસ્તાવેજ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર તે દસ્તાવેજનો નાશ કરીને માવા બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. પરંતુ સોમવારે પીરાણા ડમ્પિંગ સાઇટમાં મળેલા જૂના દસ્તાવેજ બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવ્યા છે.