ગાંધીનગરઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતાં જ ફરી એકવાર ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. 8 બેઠકો પર વિજય પ્રાપ્ત કરવા હેતુસર ભાજપ-કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવવામાં તૈયાર થઈ ગયાં છે. જોકે મહત્વની વાત છે કે આઠ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. જેમાં તેમને જણાવ્યું હતું કે પ્રજાલક્ષી કોઈ કામ વિસ્તારમાં થતાં નથી. કોંગ્રેસ પક્ષ તેમની વાતોની અવગણના કરી રહ્યો છે તેવા અનેક મુદ્દાઓને આગળ ધરીને આ 8 બેઠકો પરના કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષમાં રાજીનામાં ધરી દીધાં હતાં.
હવે પ્રજા સાથે દ્રોહ કર્યા બાદ ભાજપ પક્ષ તમને ચૂંટણીમાં દાવેદારી તરીકે નામ નોંધાવે છે કે નહીં તે એક મહત્વનો વિષય ગણવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાજપ આઠ બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ પ્રજા પર પણ તેમને એટલો જ વિશ્વાસ છે કે પ્રજા ભાજપની કામગીરીને ધ્યાનમાં રાખી ભાજપને વિજય પ્રાપ્ત કરાવશે તેવું જણાવ્યું હતું.