- ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
- મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષની જુગલબંધી લાવી રંગ
- ભાજપ સરકાર અને કાર્યકરોના કામને જનતાએ આવકાર્યા: BJPના પ્રદેશ મીડિયા કન્વીનર
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા (Election of Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીઓમાં ત્રીજી વખત પણ અસમંજસ ભરી પરિસ્થિતિ જોવા મળશે, તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું હતું. પરંતુ ગાંધીનગરની જનતાએ કઈંક અલગ જ જનાદેશ આપ્યો છે. સ્પષ્ટ રીતે સત્તા ભારતીય જનતા પાર્ટી (BJP)ને સોંપી છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકાની 44 માંથી 41 બેઠકો જીતીને રેકોર્ડ સર્જ્યો છે.
ભાજપના કાર્યોનો વિજય
આ અંગે વાત કરતા ભાજપના પ્રદેશ મીડિયા કન્વિનર યજ્ઞેશ દવેએ Etv ભારતને જણાવ્યું હતું કે, ભાજપની સરકાર અને ઉમેદવારોએ કરેલા કાર્યોને ગાંધીનગરની જનતાએ આવકાર્યા છે. આ વિજય પાર્ટીના હજારો કાર્યકરોએ કરેલી મહેનતનો વિજય છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નામે પડ્યા વોટ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા છે. તેઓ સતત આ વિસ્તારના વિકાસ કાર્યો અને તેના લોકાર્પણમાં જોડાયેલા રહે છે. આ વખતે તેમના નામે વોટ પડ્યા હોય, તેવી શક્યતા વધુ છે.
2022 વિધાનસભામાં ભાજપનું કેવું રહેશે પ્રદર્શન?
યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, વિધાનસભાની 08 બેઠકોની પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર તેઓ જીત્યા, 31 જિલ્લા પંચાયતો ભાજપે કબજે કરી, 06 મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ તેઓ જીત્યા, 81 નગરપાલિકાઓમાંથી 75 નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ગાંધીનગર મહાનગરપાલિકા પહેલા યોજાયેલ મોરવાહડફની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ જીત્યા અને અંતે ગાંધીનગર મહાનગરપાલિકા જે ભાજપ માટે પીડા સમાન હતી તે પણ કબજે કરી. આ ચૂંટણીઓ હરીફો સામે મોટી સરસાઇથી જીત્યા છે, એટલે ભાજપનો વિજયરથ 2022માં પણ અજેય રહેશે.
ગાંધીનગરમાં 44માંથી 41 બેઠકો પર ભગવો લહેરાયો
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 3 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા સહિત નગરપાલિકાઓની ખાલી પડેલી 45 બેઠકોમાં તથા થરા નગરપાલિકા, ઓખા નગરપાલીકા, ભાણવડ નગરપાલિકાની ચૂંટણીના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 41 બેઠકો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 2 બેઠકો અને આમ આદમી પાર્ટીને એક બેઠક પ્રાપ્ત થઇ.
નગરપાલિકાની 42માંથી 4 બેઠકો પર અપક્ષ
નગરપાલિકાની પેટાચૂંટણી હેઠળની 42 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીને 34 બેઠકો કોંગ્રેસને 3 બેઠકો, જ્યારે ઓલ ઇન્ડિયા મજલીસએ ઇતિહાદ ઉલ મુસ્લિમીન પાર્ટીને એક બેઠક અને અપક્ષને 4 બેઠક પ્રાપ્ત થઇ.
આ પણ વાંચો: રાજ્યમાં યોજાયેલી ચૂંટણી મતગણતરીમાં કઈ નગરપાલિકામાં કોને જીત મળી, જૂઓ સમગ્ર અહેવાલ
આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામની આરપાર : ભાજપે હરખાવા જરૂર નથી