બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના અહેવાલો બાદ સરકારે (SIT)ની રચના કરી હતી. જેના રિપોર્ટ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના ઉગ્ર વિરોધને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (SIT)ની રચના કરવાની જાહેરાત કરી હતી.
આ ટીમને વિદ્યાર્થીઓએ 10 મોબાઈલ આપ્યા હતા. જેમાં સીસીટીવામાં ગેરરીતિના દ્રશ્યો જોવા મળ્યા હતા. તમામ રિપોર્ટના અંતે વિજય રૂપાણીને એસ.આઈ.ટી.એ અહેવાલ આપ્યો. આજે સરકારે આ રિપોર્ટને ધ્યાનમાં રાખી બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરી હતી, તે ઉમેદવારો 3 વર્ષ સુધી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહીં.
ગેરરીતિની બનાસકાંઠા અને ગીર સોમનાથમાંથી 1-1 જ્યારે સુરેન્દ્રનગર 4 ફરિયાદ નોંધાઈ છે. આ કૌંભાડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ કરાશે અને આરોપીઓ સામે ગુનો નોંધાશે. આ કામ માટે રાજ્યના ATSને પણ જોડવામાં આવશે.
આ સમગ્ર નિર્ણયને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. પરીક્ષાર્થીઓએ ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકાર્યો છે. સરકાર આ નિર્ણયને સંવેદનશીલ સરકારના સ્લોગન સાથે જોડવાના પ્રયાસમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ કરી છે. સરકાર પર આરોપોનો તોપમારો ચલાવી આ નિર્ણયને પરીક્ષાર્થીઓ અને સામાન્ય માણસની જીત ગણાવી છે.