ગાંધીનગર : દેશની સંસદીય પ્રણાલીમાં જન પ્રતિનિધિ તરીકે ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને લોકસભા અને રાજ્યસભામાં સન્માન આપવાની પરંપરા છે. ભારતીય સંસદના બંન્ને ગૃહોમાં અત્યાર સુધી કુલ 23 સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાએ આ પ્રણાલીને અનુસરી વિધાનસભામાં શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવાની પ્રથા શરૂ કરી છે. વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સભ્યોને એવોર્ડ આપવાની જાહેરાત તારીખ 28-02-2020ના રોજ કરવામાં આવી હતી. તદનુસાર રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ષ-2020 માટે અને વર્ષ-2019 માટે વરિષ્ઠ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રના ચોથા દિવસે આ બંન્ને ધારાસભ્યોને વિધાનસભા ગૃહના નેતા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ વિધાન ગૃહના સભ્યોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ધારાસભ્યના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં આ નવી પરંપરા શરૂ કરવા માટે વિધાનસભા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. આ અવસરે રૂપાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભા અને લોકસભા એ દેશની લોકશાહીના મૂલ્યોનું જતન અને તેને સાચવવા સંવર્ધન માટેના સર્વોચ્ચ કેન્દ્રો છે. સંસદ એ લોકશાહીનું મંદિર કહેવાય છે. ત્યારે એ મંદિરમાં બેસનારા સૌનું વર્તન-વિચાર-વાણી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સક્રિયતા છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં શરૂ થયેલી આ પ્રણાલી આવનારા દિવસોમાં વધુ ઉજ્જવળ બનશે તેવો વિશ્વાસ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભામાં બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ એનાયત કરાશે, ચોમાસું સત્રમાં થશે જાહેરાત
દેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં પણ બેસ્ટ ધારાસભ્ય એવોર્ડ આપવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે 21 સપ્ટેમ્બરના રોજ યોજાનારા વિધાનસભાના ચોમાસું સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બેસ્ટ એમ.એલ.એ. એવોર્ડની જાહેરાત કરશે.