ગાંધીનગરમાં સેક્ટર-22, 21, 7 અને 3 ખાતે વૃંદાવન સ્વીટ્સની વિવિધ બ્રાન્ચ ધરાવનારા સુખડીયા પરિવાર પર આભ ફાટ્યું છે. સે-22 ખાતે વૃંદાવન સ્વીટ્સમાં બેસતાં કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના ભત્રીજાને ગંભીર હાલતમાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પરત ફરતા હતા, ત્યારે વહેલી સવારે કાર વૃક્ષમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાની વિગતો પ્રમાણે પ્લોટ નં-540/1 સૌરભ સોસાયટી સે-23 ખાતે રહેતાં કિર્તીકુમાર વિઠ્ઠલભાઈ સુખડીયા (61 વર્ષ) તેમના પત્ની ભાવનાબેન, ભત્રીજો ચેતનભાઈ, ચેતનભાઈના પત્ની નિકિતાબેન, દીકરી જીયા (10 વર્ષ) તથા ભત્રીજો ધૈર્ય(10 વર્ષ) સાથે શુક્રવારે બપોરે ઊંઝા ઉમિયા માતાના દર્શને ગયા હતા. શનિવારે વહેલી સવારે તેઓ ગાંધીનગર પરત આવતા હતા. તે સમયે રાંધેજા પાસે કાર વૃક્ષમાં ઘૂસી ગઈ હતી. જેમાં કિર્તીભાઈ તેમના પત્ની ભાવનાબેન અને ભત્રીજા ચેતનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે બે બાળકો અને તેમની ભત્રીજા વહુને નાની મોટી ઈજા પહોંચી હતી.
આ અકસ્માતને કારણે તમામ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે કિર્તીભાઈને મૃત જાહેર કર્યા હતા. જેથી પેથાપુર પોલીસે મૃતકના નાના ભાઈ પ્રકાશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નિકિતાબેને અકસ્માત અંગે કહ્યું કે, સામેના રોડથી આવનારા વાહનોની લાઈટના કારણે મારા પતિ અંજાઈ ગયા હતા. જેથી તેઓએ ગાડી પર કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર વૃક્ષ અથડાઇ હતી.