- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- વિશાખાપટ્ટનમ ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂપિયા 40 લાખની સહાય મંજૂર
- કુલ 16 ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે રૂપિયા 1 કરોડ 69 લાખની સહાય ચૂકવાઈ
અમદાવાદઃ રાજ્ય સરકારે બિન નિવાસી ગુજરાતીઓ માટે મહત્વના નિર્ણયો કર્યાં છે. જેમાં અન્ય રાજ્યમાં આવેલા ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂપિયા 40 લાખ અથવા થયેલા ખર્ચના 40 ટકા બેમાંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂપિયા 10.00 લાખ અથવા થયેલા ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે વિજય રૂપાણીએ કોરોના અંગે યોજી ઈ-બેઠક
અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ માટે સહાય
ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. જે નિર્ણય બાદ અત્યાર સુધીમાં દેશના જુદા-જુદા રાજ્યોમાં આવેલા 16 ગુજરાતી સમાજોને સમાજ ભવનના નિર્માણ કે મરામત માટે રૂપિયા 1 કરોડ 69 લાખની સહાય આપવામાં આવી છે.