ગાંધીનગરઃ કોરોના વાયરસના કહેર વચ્ચે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં બબાલો ચાલી રહી છે. અગાઉ જિલ્લા પંચાયતમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે લેખિત અરજી આપવામાં આવી હતી. હજુ તે મામલો થાળે પડ્યો નથી ત્યારે જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓ દ્વારા આરોગ્ય કમિશનર અને નાયબ મુખ્યપ્રધાનને જિલ્લા આરોગ્ય અધિકારી કિન્નાખોરી રાખી રહ્યાં અને માત્ર એક જ વર્ગમાં આવતા લોકોને પરેશાન કરી રહ્યાં હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી સામે કાસ્ટીઝમ ચલાવવાનો આક્ષેપ, કર્મીઓએ કરી DyCMને રજૂઆત આરોગ્ય કમિશનરને આપવામાં આવેલી લેખિત અરજીમાં જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા મનુભાઈ સોલંકી દ્વારા જનરલ કેટેગરીના ડોક્ટર અને કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમના દ્વારા નીચેના કર્મચારીઓ પાસે આવેદનપત્રો આપવામાં આવે છે અને આ કર્મચારીઓની ફરજમાં અડચણ ઊભી થાય તે પ્રકારના પ્રયાસો કરાઈ રહ્યાં છે. ઉપરી અધિકારી દ્વારા સીઆર ભરવામાં આવતાં હોવાના કારણે નીચેના કર્મચારીઓ હેરાનગતિ સહન કરી લે છે અને આગળ રજૂઆત કરતા નથી.આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી મનુભાઈ સોલંકી સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, કચેરીમાં અનેક કર્મચારીઓ કામ કરે છે તેમને કોઇ હેરાનગતિ થતી નથી. પરંતુ જેમની સામે કામ માંગવામાં આવે છે તે કર્મચારીઓ દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. જે લોકોને અહીં હાજર કરવાના છે તેઓ અન્ય જગ્યાએથી છૂટા થઈને આવે ત્યારબાદ પ્રક્રિયા મુજબ તેમને હાજર કરી શકાય છે, ત્યારે આ આક્ષેપો તદ્દન પાયાવિહોણાં છે.