ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસ પ્રસરી રહ્યો છે ત્યારે રાજ્યમાં ફક્ત અમદાવાદમાં જ કોરોનાના વધુ કેસો સામે આવ્યા છે. એટલે એ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોટ વિસ્તારના ધારાસભ્યો સાથે બેઠક કરીને કરફ્યુ અંગેની ચર્ચા કરી હતી. જેમાં કોંગ્રેસના કોરોના પોઝિટિવ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર હાજર રહ્યા હતા. જેમાંથી સાંજે ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બુધવારની તમામ બેઠક રદ કરી છે. તેમજ સીએમ મેડિકલના તજજ્ઞની સલાહ લેશે.
જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સીએમ વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કરફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ પરમાર ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવાસસ્થાને બોલાવ્યા હતા.
આ બેઠકમાં ખેડાવાલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી આશરે 15 થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા. આમ, છતાં બુધવારે સવારે મેડિકલ તજજ્ઞોની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરવામાં આવશે તેમ પણ મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા. આશરે બે દિવસ પહેલા સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતાં ખેડાવાલાના સેમ્પલ લેવામાં આવેલા હતા અને તેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું જે ના કરીને તેમણે ભૂલ કરી.