- સરકારના 'સંવેદનશીલ સરકાર'ના સૂત્ર સામે કોંગ્રેસનો વિરોધ
- 'અસંવેદનશીલ સરકાર'ના સૂત્ર સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ
- દારૂ, જુગારના હપ્તા પણ CM રૂપાણી સુધી પહોંચતા હોવાનો આક્ષેપ
ગાંધીનગર : મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલે પાંચ વર્ષ પૂર્ણ કરતા રાજ્ય સરકાર દ્વારા નવ દિવસની અલગ અલગ થીમ પણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સોમવારે 'સંવેદનશીલ સરકાર'ના સૂત્ર સાથે રાજ્ય સરકાર ઉજવણી કરી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 'સંવેદનહીન સરકાર'ના સૂત્ર સાથે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં બીજી લહેર દરમિયાન રાજ્યના નાગરિકોને પડેલી અગવડતાનો મુદ્દો બનાવીને સરકાર પર કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ અનેક આક્ષેપો કર્યા હતા.
બીજી લહેર દરમિયાન એલર્ટ આપ્યું હોવા છતા કોઈ કાર્યવાહી નહીં
કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોનાથી બીજી લહેર દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ એલર્ટ આપ્યા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની આગમચેતીની તૈયારીઓ કરવામાં આવી ન હતી અને ગંભીર પરિસ્થિતિનું સર્જન થયું હતું. બીજી લહેર દરમિયાન લોકો હોસ્પિટલના બેડ, ઓક્સિજન અને દવાઓ શોધવા માટે વલખા મારી રહ્યા હતા. તેમ છતાં પણ રાજ્ય સરકાર આજે 'સંવેદનશીલ સરકાર' તરીકે ઉજવણી કરી રહ્યા છે.
દારૂના હપ્તા CM સુધી પહોંચે છે, એટલે દારૂના અડ્ડા પર પોલીસ નથી જતી
અમિત ચાવડાએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોંગ્રેસ યુવાઓ, ખેડૂતો તેમજ બેરોજગારો માટે વિરોધ પ્રદર્શન કરવા ઉતરે છે. ત્યારે પોલીસનો દુરુપયોગ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવે છે અને વિરોધ કરતા અટકાવવામાં આવે છે, પરંતુ સમગ્ર રાજ્યમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે. ત્યાં પોલીસ નથી પહોંચતી. આમ, પોલીસથી CM સુધી દારૂ અને જુગારના હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો હતો, જ્યારે પોલીસ સરકારના ઈશારે કામ કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
વિરોધકર્તાઓની સામે પોલીસકર્મીઓની સંખ્યા વધુ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં પોલીસે અગમચેતીરૂપે સોથી વધુ પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દીધા હતા. ત્યારે મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના માત્ર 60 જેટલા જ કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જોકે, વિરોધકર્તાઓની સામે પોલીસકર્મીઓની સંખ્યા ઘણી વધારે જોવા મળી હતી. વિરોધ પ્રદર્શનના થોડાક સમય બાદ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જેમાં પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
અગાઉના મુખ્યપ્રધાનોએ કોઈ કામ જ નથી કર્યા ?
અમિત ચાવડાના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં કોરોના કાળ દરમિયાન 3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેમ છતા અસંવેદનહીન સરકાર પોતાના પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરી રહી છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર હોવા છતા પાંચ વર્ષની ઉજવણી શા માટે? અગાઉ 20 વર્ષ સુધી નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન તરીકે રહ્યા ત્યારે કોઈ ઊજવણી કરી ન હતી. તો શું તેમણે ગુજરાતમાં કંઈ જ કામ કર્યું નથી? તેવા પ્રશ્નો પણ અમિત ચાવડાએ કર્યા હતા.