- અસંગઠિત ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ હથિયાર ઉગામાયું
- 240 પૈકી 191 આરોપીઓની ધરપકડ
- 49 આરોપીઓને પકડવા માટે રાજ્ય પોલીસની ટીમો કામે લાગી
ગાંધીનગર : રાજ્યમાં આતંક મચાવનારી ગેંગ અને તેના સાગરિતો પર કાયદાકીય સકંજો કસવા માટે ગુજસીટોક કાયદો અમલી બનાવાયો છે ત્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આ ગુના હેઠળ સંડોવાયેલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરાઈ છે ત્યારે કેટલાક આરોપી હજુ પણ નાસતાં ફરી રહ્યાં છે. જેમને પકડવા માટે પણ પોલીસે સકંજો કસ્યો છે.
જાણો કયા 4 મોટા શહેરોમાં કેટલા શખ્સો સામે કેટલા ગુના નોંધાયા છે
અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 3 ગુના દાખલ થયાં. જેમાં 26 આરોપીઓની સંડોવણી, 21 આરોપીઓ પકડાયા આ આરોપીઓ 247 ગુનાઓમાં સામેલ છે. રાજકોટમાં 2 ગુના, 22 આરોપીઓની સંડોવણી જેમાં 21 ઝડપાયા એ આરોપીઓની અન્ય 180 ગુનામાં સંડોવણી, સુરત શહેરમાં 5 ગુજસીટોકના ગુના જેમાં 48 આરોપીઓની સંડોવણી જેમાંથી 33 આરોપીઓ ઝડપાયા, આ આરોપીઓની 189 ગુનામાં સંડોવણી છે. વડોદરા શહેરમાં 1 ગુનો દાખલ જેમાં 26 આરોપીઓની સંડોવણી 24 આરોપીઓ ઝડપાયા જેઓની અન્ય 333 ગુનામાં સંડોવણી છે.
જિલ્લાઓ અને ગ્રામ્ય લેવલે પણ નોંધાયા છે ગુજસીટોક હેઠળ ગુનાઓ
આ પ્રકારના મોટા શહેરો ઉપરાંત જિલ્લાઓ અને ગ્રામ્ય લેવલ જેમાં અમદાવાદ ગ્રામ્ય, જામનગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, વલસાડમાં પણ એક એક ગુજસીટોક હેઠળ ગુના દાખલ થયાં છે. જ્યારે મહેસાણામાં 2 ગુના દાખલ થયા છે. જેમાં અત્યાર સુધી 118 જેટલા આરોપીઓ વિરૂદ્ધ અન્ય 800થી વધુ ગુના દાખલ કરવામાં આવ્યાં છે.
240માંથી 191 આરોપીઓ પકડાયાં
અત્યાર સુધી 240 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી 191 આરોપીઓ પકડાયા છે. જ્યારે બાકીના 49 આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. આ તમામ આરોપી વિરૂદ્ધ અત્યાર સુધી અન્ય 1754 ગુનાઓ દાખલ થયાં છે.
આ પણ વાંચોઃ ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ
આ પણ વાંચોઃ કુખ્યાત ફેક્ચર ગેંગના 5 આરોપીની ધરપકડ