- નાગીન ફિલ્મની સ્ટોરી બની સત્ય ઘટના
- નાગણે નાગના મોતનો બદલો લીધો
- નાગણે કાકી-ભત્રીજીને દંશ દઈને મોતને ઘાટ ઉતાર્યા
ગાંધીનગર: દહેગામ તાલુકામાં આવેલા દેવકરણના મુવાડા ગ્રામ પંચાયતના પેટાપરા ગલાજીની મુવાડી ગામે 2 દિવસ પહેલાં મકાન નજીક નિકળેલા નાાગને મારી નાખ્યા પછી નાગણે તેનો બદલો લીધાની ઘટના સામે આવી છે. નાગના મોત પછી તેનો બદલો લેવા નાગણે કાકી અને ભત્રીજીને દંશ દીધા બાદ તેઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટના સમગ્ર તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બની છે અને તે એક સત્ય હકિકત હોવાનું ગામવાસીઓ જણાવી રહ્યા છે.

પરિવાર સામે કરુણ દ્રશ્યો સર્જાયા
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ગામે રહેતા સુરેખા પ્રહલાદજી સોલંકીની ઉમર 30 વર્ષ છે. તેઓ સવારે નિત્યક્રમ મુજબ ઘરમાં ચુલા પર ચા બનાવવા જતા સમયે એકાએક તેમને ઝેરી સાપ કરડી ગયો હતો. આ બાદ, એકત્ર થયેલા સ્થાનિકો તેમને 108ની મદદથી દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારમા કરુણ દ્રશ્ય સર્જાયું હતું.
આ પણ વાંચો: રાજ્યની એવી તે કઈ યુનિવર્સિટી છે જેણે કોરોના કાળમાં પણ સફળતાપૂર્વક પરીક્ષા લીધી? જુઓ
નાગણે કાકી પછી ભત્રીજીને દંશ દીધો
બીજી બાજુ મૃતક મહિલાના જેઠની દીકરી અનુ રણજીતજી સોલંકી કે જે 7 વર્ષની હતી. તે આંગણામાં રમતી વખતે સવારે 10 વાગ્યાની આસપાસ નાગણે દંશ દેતા બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં, ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. માત્ર 4 કલાકના અંતરમાં કાકી અને ભત્રીજીના મોતથી પરિવારજનોમાં માતમ છવાાઈ ગયો હતો. ગામ લોકોના કહેવા મુજબ 2 દિવસ અગાઉ મૃતકના મકાનની આસપાસ નાગ નીકળતાં લોકોએ મારી નાખ્યો હતો. તેનો બદલો લેવા માટે નાગણે 2 વ્યક્તિઓનો ભોગ લીધો છે. એક પરિવારના બબ્બે વ્યક્તિના મોત અંગે પરિવારના સભ્યનો સંપર્ક કરવામાં આવતાં તેઓએ પણ 2 દિવસ પહેલાં નાગને મારવામાં આવ્યો હોવાનું અને તેનો બદલો લેવા નાગણે બન્નેને દંશ દીધા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આમ નાગના મોત બાદ નાગણ 2 વ્યક્તિઓને ભરખી ગઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
પિતા બાદ 3 સંતાનોએ માતાની મમતા ગુમાવી
ઝેરી નાગણે દંશ દેતાં મોતને ભેટનાર સુરેખા સોલંકીના પતિ પ્રહલાદજીનું 6 મહિના પહેલાં મોત નિપજ્યું હતું. પ્રહલાદજીના મોત બાદ પિતાની છત્રછાયા ગુમાવનાર 3 સંતોનોએ હવે માતાની મમતા પણ ગુમાવી છે. જેથી પરિવારમાં માતમ છવાયો છે.
આ પણ વાંચો: ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ અપાશે જિલ્લામાં
નાગણ ઝેરી હોવાથી સારવાર મળે તે પહેલા જ મોત
એકજ પરિવારના બબ્બે વ્યક્તિઓને ભરખી જનાર નાગણને સ્થાનિક લોકોએ મકાન આગળના પગથિયા તોડી શોધી કાઢ્યા બાદ મોતને ઘાત ઉતારી દીધી હતી. ગલાજીની મુવાડી ગામે રહેતાં સુરખા સોલંકી અને અનુ સોલંકીને દંશ દેનાર નાગણ એટલી ઝેરી હતી કે દંશ દીધાના થોડાક સમયમાં ઝેર શરીરમાં પ્રસરી જતાં બન્નેની હાલત ઝડપથી લથડી પડી હતી. આ બાદ, પરિવારના સભ્યોને 108 એમ્બ્યુલન્સની મદદથી બન્નેને હોસ્પિટલમાં પહોંચાડે તે પહેલાં બન્નેના કરૂણ મોત નિપજ્યા હતા.