- રાજ્યમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી
- કોવિડ- 19 ની રસી આપીને થશે ઉજવણી
- 17 મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનુ આયોજન
- ડ્રાઇવ દરમ્યાન 7500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી છે. 17 મી સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફક્ત એક જ દિવસમાં 35 લાખથી વધુ વેક્સિન આપવાનું લક્ષ્યાંક પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આમ લોકોને સુરક્ષિત જીવન પૂરું પાડવા અને કોરોના મહામારી બચાવવા માટે 17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. આ માટે 12,000 થી વધુ સેન્ટરો પર વેકસિનની કામગીરી કરવામાં આવશે.
મેગા ડ્રાઈવની તૈયારીઓ 7500 ગામડાઓ 100 ટકા વેક્સિન થશે
આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન 7500 જેટલા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન 35 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનુ આયોજન છે. એટલું જ નહિ, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતીકાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિન દયાળ ઔષધાલય ઉભા કરવામાં આવશે.
તમામ જિલ્લા કલેક્ટર અને મનપા કમિશ્નરોને સૂચના
અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, તા.17 મી સપ્ટેમ્બર, 2021 ના રોજ રાજ્યમાં કોવિડ-19 રસીકરણની જે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. તેને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે.
કેટલું થયું રસીકરણ ?
રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણ અંતર્ગત થયેલી પ્રશંસનીય કામગીરીની વિગતો આપતા અગ્રવાલે જણાવ્યું હતુ કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. 16 મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ 5.33 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ 8,34,787 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ 5906 ગામડાઓ, 104 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 14 શહેરી આરોગ્ય કેન્દ્ર તથા 17 તાલુકાઓમાં તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી 100 ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે.
શ્રમિકો માટે પાયલોટ પ્રોજેક્ટ થશે શરૂ
17 સપ્ટેમ્બરથી શ્રમિક-કામદાર પરિવારોની આરોગ્ય સુરક્ષા માટે એક વિશેષ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ વર્ગને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા નિષ્ણાંત તબીબી ટીમ સાથે રાજ્યભરમાં 100 થી વધુ દિન દયાળ ઔષધાલય સેન્ટર ઉભા કરવામાં આવશે. તેમા પુરતી દવાઓનો જથ્થો પણ ઉપ્લબ્દ્ધ કરાવી વિનામૂલ્યે નિદાન-સારવાર કરાવાશે.