- છેલ્લા 24 કલાકમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા
- સમગ્ર રાજ્યમાં ફક્ત 3 જ કોર્પોરેશન અને 3 જિલ્લામાં કેસ
- અમદાવાદમાં 2, વડોદરામાં 3, સુરતમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ ઓછા થઇ રહ્યા હતા અને કોરોના સંક્રમણને કાબુમાં લાવવા રાજ્ય સરકાર સફળ નીવડી છે, ત્યારે સપ્ટેમ્બર માસની 14 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરામાં જ સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત ત્રણ જ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે સુરત, વડોદરા અને અમદાવાદના કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
આજે 3,77,994 નાગરીકોને અપાઈ વેક્સિન
14 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 3,77,994 લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 1,23,223 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,65,024 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે આજે ગુજરાતમાં રસીકરણનો આંકડો 5 કરોડને પાર થયો છે. રાજ્યમાં કુલ 5,29,55,628 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 160 નીચે છે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 153 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 4 વેન્ટિલેટર પર અને 149 દર્દીઓ સ્ટેબલ છે અને દર્દીના સારવાર દરમિયાન કુલ 10,082 મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 8,15,405 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.