- એક સમયે કેસ લડતો વકીલ આજે ગુનેગાર બની ગયો
- સંખ્યાબંધ અસીલો હતા આ વકીલના
- દારૂના ગુનામાં સપડાયા બાદ પાસા હેઠળ અટકાયત
ગાંધીનગર : ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર ગુણવંતરાય લાભશંકર મહેતા રહે લબ્ધી સોસાયટી દહેગામના વિરુદ્ધ પાસા દરખાસ્ત કરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી 1 દ્વારા આ દરખાસ્ત મેજિસ્ટ્રેટ ગાંધીનગરમા મોકલવામાં આવી હતી. જે બાદ જિલ્લા મેજીસ્ટ્રેટે આ દરખાસ્ત જિલ્લા કલેકટર કુલદીપ આર્યાને મોકલી હતી જે અન્વયે પાસા વોરંટ ઈસ્યુ કર્યું હતું. જે સંદર્ભે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી વાઘેલા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે રાઠોડની સુચના મુજબ આ વોરંટ બજવણી માટે તેમની ટીમને વાકેફ કરી હતી અને ટીમે આ દિશામાં કાર્યરત થઈ ઈસમને તાત્કાલિક શોધી કાઢી એલસીબી દ્વારા પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
માર્ચ મહિનામાં 1,106 દારૂની રૂ. 4,49,308 કિંમતની બોટલો મળી
ગુણવંતરાય ઉર્ફે ગુણાભાઈ મહેતા અને તેના સાગરિતો પ્રોહિબિશનના જથ્થા જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો 1016 નંગ જેની કિંમત 4,49,308 અને વાહનો તેમજ મોબાઇલ મળી કુલ 14,88,308 સાથે 5 માર્ચે પકડાયો હતો. જેથી ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ દરમિયાન તેણે પોતાના સાગરિત સાથે મળી વાવોલમાં એક મકાનમાં પ્રોહિબિશનનો અન્ય જથ્થો જેમાં 16 દારૂની બોટલો રૂ. 96,000 કિંમતની સંતાડી રાખી હતી. આ જથ્થો પણ પકડાયો હતો. આ સિવાય તેના વિરુદ્ધ 2020 માં પણ દહેગામમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો જેથી ત્રણ વખત ગુનામાં પકડાયેલા આ ગુનેગારો વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયત કરાઇ હતી.
એક બાજુ વકીલાતનું કામ અને સાઈડમાં ચોરી છૂપી તેના સાગરિતો સાથે મળી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતો હતો
ગુણવંતરાય મહેતા દહેગામમાં વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલો હતો અને સાઈડમાં ચોરી છૂપી તેના સાગરિતો સાથે મળી તો પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આચરતો હતો. તે વકીલાતના વ્યવસાયમાં પણ જોડાયેલો હોવાથી તે ચાલાકીથી નાસતો ફરતો હતો. પાસા હેઠળ તેની અટકાયત થશે તેમ માની છેલ્લા અઢી મહિનાથી પોલીસથી નાસતો છૂટતો ફરતો હતો. ગુણવંતરાય મહેતા દહેગામ મોટા પ્રમાણમાં પ્રોહીબીશન નેટવર્ક ચલાવી તેના અન્ય સાગરિતો સાથે ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે પ્રોહીબીશન જથ્થો પૂરો પાડતો હતો. તેમના સંખ્યાબંધ અસીલો છે અને તે કોર્ટમાં કેસ પણ લડતો હતો.