- રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ
- 207 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા
- NDRFની ટીમો તહેનાત કરવામાં આવી
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને જોતા રાજ્ય સરકાર દ્વારા 11 એન.ડી.આર.એફ ટીમમાંથી કુલ 8 એન.ડી.આર.એફ.ની ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં કુલ 207 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
કયા રસ્તાઓ કરવામાં આવ્યા બંધ
ભારે વરસાદના કારણે બંધ રસ્તાની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કુલ 6 જેટલા સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. સ્ટેટ હાઈવેની વાત કરવામાં આવે તો સુરત સ્ટેટ હાઈવે, ડાંગ સ્ટેટ હાઇવે, રાજકોટ સ્ટેટ હાઇવે અને ભાવનગર તથા ગીર સોમનાથના સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કુલ 197 જેટલા પંચાયતી માળખાં પણ ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે, આમ સમગ્ર રાજ્યમાં કુલ 207 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
એસ.ટી. બસના 8 રૂટ બંધ કરવામાં આવ્યા
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વરસાદના કારણે કુલ 8 જેટલા રૂટ પર સેવા બંધ કરવામાં આવી છે. 8 રૂટ પરની કુલ 22 જેટલી બસો બંધ થઈ છે, જેથી 313 કિલોમીટરની ટ્રિપો રદ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને 8 ટ્રિપ પર કુલ 4400નું નુકસાન થયું હોવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.
ક્યાં કેટલી NDRF ટીમ મુકવામાં આવી
NDRF તરફથી મળતી માહિતી પ્રમાણે 17 ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે, જેમાં વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ જામનગર, પાટણ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ખેડામાં એક-એક ટીમ રાખવામાં આવી છે, જ્યારે ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે 3 ટીમને રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત બરોડા ખાતે પણ 3 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે, જ્યારે SDRF નીતિની વાત કરવામાં આવે તો 11 ટીમમાંથી 8 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં 2 ટીમ, આણંદ અને ખેડામાં એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. ગોધરા, વાવ, બરોડા, અમદાવાદ, વાલિયા ખાતે એક-એક એસડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: ખેડૂતોને રાહત: વણાકબોરી વિયરમાં પાણીની આવક થતાં 2.50 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે પાણી મળશે
આ પણ વાંચો: ભાવનગર શેત્રુંજી ડેમ 12 તારીખથી સતત ઓવરફ્લો 50 દરવાજા ખોલ્યા : શહેરમાં ઢીંચણ સુધીના પાણી