ગાંધીનગરઃ રખિયાલ પોલિસને જાણ કરાયાં બાદ વનવિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવતાં તેઓ બનાવ સ્થળે પહોંચી ગયાં હતાં. મળતી માહિતી મુજબ આજે શુક્રવારે બપોરના સમયે સાંપા ગામના ખેતરોમાં રાષ્ટ્રીય પક્ષી મોર ફરી રહ્યાં હતાં. તે દરમિયાન ખાનપુર ગામના ખેતરમાં રહેતાં કેટલાક શખ્સો સાંપા ગામના ખેતરમાં આવ્યાં હતાં. તેઓ બપોરના સમયે શિકાર કરવા નીકળ્યા હોય એવું જોવા મળતું હતું. ત્યારે ચાર જેટલા શખ્સો દ્વારા મોરને મારીને થેલામાં ભરીને લઇ જવામાં આવી રહ્યાં હતાં.

જે ખેડૂતનું ખેતર હતું, તે આ સમગ્ર ઘટના જોઈ ગયો હતો. ત્યારબાદ રખિયાલ પોલીસ સ્ટેશને જાણ કરાતાં લાલાભાઇ જગાભાઈ નાયક (રહે પાવાગઢ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ ભાગી જવામાં સફળ થયા હતા.

વનવિભાગના ફોરેસ્ટર કરણસિંહ રાજપૂતે કહ્યું કે, ખાનપુર અને સાંપા ગામની વચ્ચે આવેલ આ તળાવ પાસે બપોરના સમયે મોરને મારી નાખવામાં આવ્યાં હતાં. જેમાં બે માદા અને બે નરનો સમાવેશ થાય છે. હાલ એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. જે પરિવાર સાથે ખાનપુરમાં ભાગીયા તરીકે કામગીરી કરે છે. જ્યારે આ મોરને કેવી રીતે મારી નાખવામાં આવ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, સાચો રીપોર્ટ આવે ત્યાર પછી જ ખબર પડી શકે છે. જ્યારે રખિયાલ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
