- છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા મોત
- વર્ષ 2020માં 36 સિંહ, 42 સિંહણ અને 81 બાળસિંહના મોત
- છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો
અમદાવાદ: વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્નકાળ દરમિયાન સિંહોના મોતને લઈને વનપ્રધાન ગણપત વસાવાને સવાલો કર્યા હતા. જેમાં વનપ્રધાન ગણપત વસાવાએ સિંહોના મોતને લઈને કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં 313 સિહંના મોત થયા છે. જેમાં વર્ષ 2019 માં 35 સિંહ, 48 સિંહણ અને 71 સિંહબાળના મોત થયા છે. તો વર્ષ 2020માં 36 સિંહ, 42 સિંહણ અને 81 બાળસિંહના મોત થયા છે.
જંગલ વિસ્તારમાં રહેતા સિંહો શહેરી વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે
સિંહના મોતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમમરે કહ્યું કે, સરકાર માત્ર સિંહોની વસ્તી વધારાની વાતો કરે છે. પરંતુ ખરેખર સિંહોના મોતમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં કુલ 313 સિંહોના મોત થયા છે. જેનો ખુલાસો સરકારે વિધાનસભામાં કર્યો છે. સિંહોના મોતને લઈને વિરજી ઠુમ્મરે કહ્યું કે, જંગલ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના લોકોને સરકાર દ્વારા બહાર ખસેડવામાં આવ્યા છે. જેને લઈને જંગલમાં વસતા સિંહોને કુદરતી ખોરાક મળતો નથી અને જંગલ વિભાગ દ્વારા બહારના મૃતક મળતા પ્રાણીઓને જંગલ વિસ્તારના સિંહને ખોરાક તરીકે આપવામાં આવે છે. જેની ઉપર આડઅસર થઇ રહી છે. તો જંગલ વિસ્તારમાં રહેતા સિંહો શહેરી વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. જેનું કારણ પણ સિંહનો ખોરાક જ છે.
ગુજરાત અને દેશનું ગૌરવ એવા સિંહ માટે સરકાર કાર્ય કરી રહી છેઃ વન પ્રધાન ગણપત વસાવા
સિંહના મોતને લઈને વન પ્રધાન ગણપત વસાવાએ વિધાનસભામાં કહ્યું કે, ગુજરાત અને દેશનું ગૌરવ એવા સિંહ માટે સરકાર કાર્ય કરી રહી છે, છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે. તો વન વિભાગના અધિકારીઓ માટે વાહન, હથિયાર, ટેબલેટની સુવિધા ઉપલબ્ધ કરી સતત પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં પોલીસ વિભાગ, વન વિભાગ અને પીજીવીસીએલના અધિકારીઓ પણ જોડાય છે. તો સાથે સાથે વન્ય પ્રાણીઓ માટે રેપીડ એકશન ટીમ અને રેસ્ક્યૂ ટીમની પણ રચના કરવામાં આવી છે. વનમાં પ્રવેશતા લોકો માટે ચેકીંગ પોઈન્ટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનાથી પરવાનગી વગરના લોકો જંગલ વિસ્તારમાં પ્રવેશી ન શકે.
આ પણ વાંચોઃ સરકારી શાળાઓમાં કેમ ઓરડા ઓછા છે, કોંગ્રેસના સવાલ પર વિધાનસભામાં ઘેરાઈ રાજ્ય સરકાર
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોનાની મહામારીમાં સરકારે જે કામ કર્યું, તે કોંગ્રેસની દેન છે. કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી સિવિલ હોસ્પિટલ, આરોગ્ય સેન્ટરોમાં લોકોની સારવાર કરવામાં આવી, તો વર્ષ 1995થી કેટલા આરોગ્ય સેન્ટરો અને કેટલીક નવી હોસ્પિટલો બાંધવામાં આવી તે અંગેના પ્રશ્નોનો જવાબ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો જ નથી. તો વધુમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમમરે કહ્યું કે, કોરોના મહામારીમાં શ્રમિકોને પોતાના વતનમાં મોકલવા માટે કોંગ્રેસ દ્વારા પોતાના ખર્ચે મદદ કરવામાં આવનારી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મનાઇ કરી દેવામાં આવી જેથી શ્રમિકોને પોતાના ખર્ચે જ પોતાના વતનમાં જવું પડ્યું હતું.
કેન્દ્ર સરકારને એક પણ વખત અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે રજૂઆત કરવામાં આવી નથીઃ વિરજી ઠુમ્મર
વિરજી ઠુમ્મરે વધુમાં કહ્યું કે, ભાજપની સરકાર ચૂંટણીમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટેનો મુદ્દો ઉઠાવે છે. પરંતુ કર્ણાવતી નામ કરવા માટે સરકારને પ્રશ્નો પૂછતા સરકારે લેખિતમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારને એક પણ વખત અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે રજૂઆત કરવામાં આવી નથી. તો ખેડૂતો માટે પણ સરકાર માત્ર વાતો કરે છે અને ખેડૂત ધીમે ધીમે ગરીબ બનતો જાય છે. વિરજી ઠુમ્મરે કહ્યું કે, માનવ અધિકાર સંગઠન, શિક્ષણવિદો અને પત્રકારોને હેરાનગતિમાં ગુજરાત નંબર વન છે. કહ્યું કે, પત્રકારોને હેરાન કરવા યોગ્ય નથી. પત્રકારોએ દેશની ચોથી જાગીર છે. કેન્દ્ર સરકાર સામે ટીકા કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે છે.
સિંહોની સંખ્યામાં વધારો થયો હોવાનો સરકારનો દાવો
એક તરફ સિંહોની સંખ્યામાં વધારો થયો હોવાનો સરકારનો દાવો કરી રહી છે. ત્યારે બીજી તરફ વિધાનસભામાં 313 સિંહના મોત થયાનો સરકારે ખુલાસો કર્યો છે. તો સરકારે કહ્યું કે, સિંહની વસ્તીમાં છેલ્લા પાંચ વર્ષમાં 29 ટકાનો વધારો પણ થયો છે, સિંહના સરક્ષણ માટે 33 કરોડના ખર્ચે 43 હજાર કુવાઓનું પણ નિર્માણ કરાયું છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર - વિધાનસભા ગૃહના ત્રીજા દિવસે કૃષિ, રમતગમત સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી