- મહાત્મા મંદિરની બાકી રકમનો આંકડો સામે આવ્યો
- વિધાનસભા ગૃહમાં થયો આંકડો જાહેર
- કુલ 2 કરોડ 4 લાખ 54 હજાર 778 રૂપિયા વસૂલવાના બાકી
ગાંધીનગર: ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરની સ્થાપના કરી હતી. ત્યારે મહાત્માં મંદિરમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જેવા મહત્વના કાર્યક્રમોની ઉજવણી થાય છે, જેને લઈ વિધાનસભામાં સી. જે. ચાવડાએ પ્રશ્ન કર્યો હતો કે, મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમની વસૂલાતની બાકી રકમ કેટલી છે. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, કુલ 2 કરોડ 4 લાખ 54 હજાર 778 રૂપિયા વસૂલવાના બાકી છે.
રાજ્ય સરકારના કાર્યક્રમ પૈકી 2.02 કરોડ આપવાના બાકી
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા મોટા-મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં 38 કાર્યક્રમો મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યાં છે, જેનું ચુકવણું પણ બાકી હોવાનું પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે. આમ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર પાસેથી કુલ રૂપિયા 2 કરોડ 2 લાખ 90 હજાર 999 રૂપિયા લેવાના બાકી છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે મહાત્મા મંદિરમાં 50 કાર્યક્રમ કર્યા, પણ હજુ 45,49,928નું ચૂકવણું બાકી
મહાત્મા મંદિર ખાતે 37 ખાનગી કાર્યક્રમો યોજાયા
વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કુલ 37 ખાનગી કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે. જેમાં ખાનગી એજન્સી પાસેથી 1 લાખ 63 હજાર 779 રૂપિયાની બાકી લેણાની વસૂલાત માટે કેસ થયો હોવાની વાત પ્રશ્નોતરીમાં સામે આવી છે.
મહાત્મા મંદિરને કરોડો રૂપિયાની આવક
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને ખાનગી કંપની એજન્સીઓ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાત્મા મંદિરને કુલ રૂપિયા 15 કરોડ 51 લાખ 21 હજાર 344ની આવક નોંધાઇ છે.
વાઇબ્રન્ટ મહોત્સવમાં કુલ 1,83,487 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ
વાઇબ્રન્ટ મહોત્સવનું આયોજન મહાત્મા મંદિર ખાતે કરવામાં આવે હતું. તેનું બાકી લેણાની વાત વિધાનસભાગૃહમાં સામે આવી છે. વાઇબ્રન્ટ મહોત્સવમાં રોજગારીનો આંકડો પણ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવ્યો છે. જેમાં 31 ડિસેમ્બર 2020 ની પરિસ્થિતિમાં કુલ 1,83,487 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે, મહત્વની વાત કરવામાં આવે તો મોનીટરીંગ સિસ્ટમના ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન ફાઈલ કરનારા ઈન્વેસ્ટમેન્ટ દ્વારા થતી માહિતીના આધારે રોજગારીની વિગતો નોડલ અધિકારી દ્વારા અપડેટ કરવામાં આવે છે.
મહાત્મા મંદિર સંચાલનની કામગીરી
મહાત્મા મંદિરના સંચાલનની કામગીરી બાબતે પણ કોંગ્રેસના ધારાસભ્ય ચાવડાએ પ્રશ્નોત્તરીમાં સવાલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારને લેખિતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ રેલવે હેઠળના ડાઉનલોડ પેન્ટ કોર્પોરેશનના સંયુક્ત સાહસ ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા હોટલ લીલા વેન્ચર લિમિટેડને 01 ડિસેમ્બર 2018 થી 25 વર્ષ માટે સંચાલન અને જાણવણી માટે આપવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારે મહાત્મા મંદિરને 45 વર્ષના કરવાના કરારથી ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને સોપવામાં આવ્યું છે. મહાત્મા મંદિરની કામગીરીમાં છેલ્લા બે વર્ષમાં 28 કરોડ 74 લાખ 71 હજાર 432ની આવક નોંધાઇ છે અને 28 કરોડ 17 લાખ 12 હજાર 518 મહાત્મા મંદિર પાછળ ખર્ચ કરવામાં આવ્યાં છે.