ગાંધીનગર: ગત 24 કલાકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 15 પોઝિટિવ કેસ મળ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં 4, દહેગામ તાલુકામાં 1, કલોલ તાલુકામાં 7 અને માણસા તાલુકામાં 3 કેસ સામેલ છે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના પેથાપુરમાં 50 વર્ષીય પુરૂષ, શેરથા ગામમાં 60 વર્ષીય આધેડ, મોટા ચિલોડામાં 31 વર્ષીય પુરૂષ અને કુડાસણમાં 16 વર્ષીય યુવતીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દહેગામ શહેરમાં ભાજપના પૂર્વ નગરસેવક 58 વર્ષીય મહિલાને અને માણસા તાલુકાના વેડામાં 2 વર્ષીય બાળક, બાપુપુરામાં 50 વર્ષીય સ્ત્રી અને બોરુ ગામમાં 50 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ થયો છે. આ સાથે જ કલોલ તાલુકાના કલોલ શહેરમાં 93, 58, 52 અને 42 વર્ષીય પુરૂષ અને 70 તથા 49 વર્ષીય મહિલા અને બોરીસણા ગામમાં 45 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે કલોલ શહેરના પુરૂષ દર્દીએ કોરોનાને માત આપતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમા વધુ 3 કેસ સામે આવ્યાં છે. જેમા સેક્ટર 24માં રહેતી અને સેક્ટર-11 મેઘ મલ્હારમા નોકરી કરતી 26 વર્ષીય યુવતી, સેક્ટર 4સીમાં 34 વર્ષીય પુરૂષ અને સેક્ટર 28માં રહેતો અને અમદાવાદમા ખાનગી નોકરી કરતો 31 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગાંધીનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં 250 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 122 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 113 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 વ્યક્તિઓનું કોરોનાના કારણે મોત થયું છે.