- રાજ્યની પોલીસ રહેશે સ્ટેન્ડ બાય
- રાજ્યમાં ખેડૂત આંદોલન લઈને પોલીસ એક્શન મોડમાં
- તમામ જિલ્લામાં 144 કલમ લગાવવાની આપવામાં આવી સૂચના
ગાંધીનગર : આશિષ ભાટિયા વધુમાં જણાવ્યું હતું કે, વીડિયો કોન્ફરન્સ દરમિયાન એ રાજ્યના તમામ જિલ્લા એસપી અને રેન્જ આઈજીને 144 કલમ લગાવવાની સૂચના આપવામાં આવી છે. જે જિલ્લામાં જરૂરિયાત હશે તે તમામ જિલ્લાઓમાં 144ની કલમ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત 144ની કલમ લાગશે. આમ આ કલમ હેઠળ 4 કે ચારથી વધુ લોકો એક જગ્યા ઉપર ભેગા થઈ શકશે નહીં.
- હાઇ વે પર ખાસ પેટ્રોલિંંગ
ખેડૂત આંદોલનને લઈને મહત્વનો ભાગ તાલુકા અને જિલ્લાકક્ષાએ રહેવાનો છે. ત્યારે કોંગ્રેસ તથા ખેડૂત સમર્થકો હાઇવે પર ચક્કાજામના આયોજન કરે ત્યારે આવા આયોજનને નિષ્ફળ બનાવવા માટે હાઈવે પર ખાસ પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. જ્યારે તમામ જિલ્લામાં પોલીસે સંવેદનશીલ વિસ્તારો પણ બ્લેકલિસ્ટ કર્યા છે. તેમાં પણ પોલીસ સતત પેટ્રોલિંગમાં રહેશે. સાથે જ જો કોઈ વ્યક્તિ વિરોધ કરવા આવશે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
- પોલીસની મોબિલિટી વધારવામાં આવી
8 ડિસેમ્બરનો દિવસ ગુજરાત પોલીસ માટે મહત્વનો રહેશે. ત્યારે ખેડૂત આંદોલનના વિરોધને ખાળવા માટે રાજ્યની પોલીસે મોબિલીટી પણ વધારી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો પોલીસના વાહનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વધારાના વાહનો પણ મૂકવામાં આવ્યાં છે.
- રાજ્યની બોર્ડર અને જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ
પોલીસ બંદોબસ્ત વિશે આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, પોલીસને બંદોબસ્તમાં તમામ પોલીસ કર્મચારીઓ ઉપરાંત એસઆરપી અને હોમગાર્ડના જવાનોની પણ મદદ લેવામાં આવશે. જ્યારે રાજ્યની બોર્ડર પર અને રાજ્યના તમામ જિલ્લાઓની બોર્ડર પર ચેકપોસ્ટ પણ મૂકવામાં આવી છે. જો કોઈપણ લોકો વિરોધ કરશે અથવા તો બળજબરીપૂર્વક બંધ કરાવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ એપેડેમિક મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે.
- વીડિયો કોન્ફરન્સથી કરાઈ સમીક્ષા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં રહે તે માટેે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ આજે રાજ્યનાં તમામ રેન્જ આઇજી પોલીસ કમિશનર અને એસ.પી સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને આવતીકાલના વિરોધને ખાળવા માટે પોલીસને એક્શન પ્લાનથી પણ માહિતગાર થયાં હતાં.
- આગામી સૂચના ન અપાય ત્યાં સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો
ડીજીપીએ આ સાથે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા કેટલાય દિવસથી 1500થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે સંક્રમણના ઘટાડવા માટે રાજ્ય સરકારે અમદાવાદ રાજકોટ સુરત અને બરોડામાં રાત્રે કરફ્યૂ મુકવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે અમદાવાદમાં 7 ડિસેમ્બરના રોજથી રાત્રી કરફ્યૂનો અંત આવતો હતો પરંતુ રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી સૂચના ન મળે ત્યાં સુધી ચારેય શહેરોમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા કરફ્યૂ યથાવત રાખવામાં આવશે.
- 31 ડિસેમ્બર સુધી રહી શકે છે કરફ્યૂ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ આપી શકે તેમ છે. આમ ડિસેમ્બર માસ બાદ અમદાવાદ રાજકોટ સુરત અને બરોડામાં રાત્રી કરફ્યૂ હટે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.