ગાંધીનગરઃ શહેરમાં મંગળવારે રાહત કમિશ્નર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપનો વેબીનાર યોજાયો હતો. આ વેબીનારમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
વેધર વોચ ગ્રુપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાને વિગતો આપતા રાહત કમિશ્નર હર્ષદ પટેલે જણાવ્યુ કે, મંગળવારે સવારે 6 વાગ્યાથી બપોરના 16 વાગ્યા સુધી 5 તાલુકાઓમાં 1MMથી લઇ 6 MM સુધી વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6 MM વરસાદ વરસ્યો છે. રાજયમાં અત્યાર સુધી 1051.22 MM વરસાદ વરસ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 MMની સરખામણીએ 126.50 ટકા છે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ આગામી 3 દિવસમાં ભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે. ત્યારબાદના બે દિવસમાં રાજ્યના અમૂક સ્થળોએ સામાન્યથી હળવો વરસાદ થવાની અને એક-બે સ્થળોએ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આમ આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે.
આ બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તારિખ 14-09સુધીમાં અંદાજીત 85.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.29 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 101.10 ટકા વાવેતર થયુ છે. સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં 3,26,127 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 97.62 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ જળસંગ્રહ 90.51 ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ પર કુલ 168 જળાશય, એલર્ટ ઉપર કુલ 10 જળાશય તેમજ વોર્નીગ ઉપર કુલ 9 જળાશય છે.