- મળો દીવના એક દિવસના કલેક્ટર બનેલા કનુભાઈ શાહને
- વર્ષ 2011 માં કનુભાઈને મળી એક દિવસના કલેકટર બનવાની તક
- લોકો આજે પણ કનુ શાહને એક દિવસના કલેક્ટરના હુલામણા નામથી ઓળખે છે
જૂનાગઢ: વર્તમાન સમયમાં હુલામણું નામ પ્રત્યેક વ્યક્તિની એક અનોખી ઓળખ અને અદા છતી કરે છે. વ્યક્તિ કોઈને કોઈ હુલામણા નામથી એમના સર્કલ અને મિત્ર મંડળમાં ઓળખાતા હોય છે, ત્યારે અમે આજે આપને મળાવી રહ્યા છે દીવના એક દિવસના કલેકટર કનુ શાહને. કનુભાઈ વર્ષ 2011 માં એક દિવસ પૂરતા પણ સંઘ પ્રદેશ દિવના કલેક્ટર બનવાની તક પ્રાપ્ત થઈ હતી. જે- તે દિવસે દીવમાં આયોજિત વિદ્યુત કર્મચારીઓને મહારેલીના આવેદનપત્રને સ્વીકારીને કનુ શાહે ઘટતું કરવા જે- તે સમયના સંઘ પ્રદેશ દિવના પ્રશાસકને પોતાની સહીથી વિદ્યુત કર્મચારીઓની માંગણી પરત્વે ધ્યાન આપવા વિનંતી કરી હતી. ત્યારથી કનુ શાહ આજે પણ દીવના એક દિવસના કલેક્ટર (One day collector) તરીકે તેમના શુભેચ્છકો અને સર્કલોમાં ઓળખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની થશે શરૂઆત
કલેક્ટર સરકારી કામ સબબ દિલ્હી અને ડેપ્યુટી કલેક્ટર બીમાર હોવાથી મળી એક દિવસના કલેકટર બનવાની તક
વાત વર્ષ 2011ની છે. જે- તે સમયે દીવના કલેક્ટર તરીકે કૃષ્ણકુમાર ફરજ બજાવતા હતા, ત્યારે દીવ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાને કારણે સરકારી મીટીંગમાં હાજરી આપવા માટે કલેક્ટર કૃષ્ણકુમાર દિલ્હી ગયા હતા. આ સમયે દીવના ડેપ્યુટી કલેક્ટર પદે કામ કરી રહેલા બી.એસ.ઠાકુર અચાનક બીમાર પડતા તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. તેવા સમયે દીવ કલેક્ટર કચેરીમાં સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા કનુ શાહને કલેક્ટરની જવાબદારીઓ વહન કરવાની ફરજ સોંપવામાં આવી હતી અને ત્યાંરથી તેઓ તેમના સર્કલ અને પરિચિતોમાં દીવના એક દિવસના કલેક્ટર તરીકે આજે પણ હુલામણા નામથી ઓળખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: 2021ના પ્રથમ પ્રભાતે દીવનાં વિવિધ બીચ પર સૂર્યોદયના આહલાદક દ્રશ્યો