દીવ: કેન્દ્ર સરકાર દ્વારા દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એકત્રીકરણને લઈને દીવમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સોમવારે દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને કેન્દ્ર સરકારના આ નિર્ણયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દાદરા નગર હવેલી દમણ અને દીવના એકત્રીકરણને લઈને ત્રણે સંધ પ્રદેશ 26 જાન્યુઆરી, એટલે કે પ્રજાસત્તાક દિનના પવિત્ર પર્વના દિવસે એક બન્યા છે. જેની ભવ્ય ઉજવણી દીવમાં કરવામાં આવી હતી.
દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એકત્રીકરણના પ્રસંગે દીવની તમામ હોટલો, સરકારી કચેરીઓ, વિવિધ પર્યટન સ્થળો અને ખાસ કરીને માછીમારોની બોટોને પણ લાઈટિંગથી શણગારવામાં આવી હતી. આ સાથે જ દિવસ દરમિયાન દીવ પ્રશાસન દ્વારા અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પેશિયલ રંગોળી, કાઈટ ફ્લાઈંગ કોમ્પીટીશન, ફેશ પેઇન્ટિંગ સ્પર્ધા, આતશબાજી અને લાઈવ બેન્ડનું આયોજન દીવ બંદર ચોક જેટી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ કલેક્ટર સલોની રાય દ્વારા પતંગ ચગાવીને સમગ્ર એકત્રીકરણ પ્રક્રિયાને આવકારી હતી.