વલસાડ: વાપીમાં GIDC અને નોટિફાઇડના સહયોગમાં દમણગંગા નદી કિનારે ગેસ આધારિત અદ્યતન સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં આ મુક્તિધામની કામગીરી ખૂબ સરાહનીય રહી છે. આ અંગે મુક્તિધામના ટ્રસ્ટી અને કમિટી મેમ્બર તુષાર શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, મુક્તિધામમાં વર્ષ 2020ના જાન્યુઆરીથી જૂન માસ સુધી દૈનિક સરેરાશ 2 મૃતદેહોને અગ્નિદાહ અપાતો હતો, પરંતુ તે બાદ કોરોના મહામારીના જુલાઈથી સપ્ટેમ્બરના 3 માસમાં મહિને 140થી વધુ મૃતદેહોને અગ્નિદાહ અપાતો હતો.
વાપીના મુક્તિધામ પર કોવિડ મૃતદેહોને અગ્નિદાહ આપી શકાય તેવી તમામ સુવિધા જોતા વલસાડ કલક્ટરે કોવિડ મૃતદેહને અગ્નિદાહ આપવા મુક્તિધામને મંજૂરી આપી હતી. જેમાં જુલાઈમાં 32, ઓગસ્ટમાં 45 અને સપ્ટેમ્બર માસમાં 33 મૃતદેહ મળી કુલ 110 કોવિડ મૃતદેહોને અગ્નિદાહ અપાયો હતો.
સરકારની ગાઇડલાઈન મુજબ મુક્તિધામમાં નોર્મલ મૃતદેહ સમયે 20થી વધુ લોકોને મંજૂરી અપાતી નહોતી. કોવિડ મૃતદેહ માટે એમ્બ્યુલન્સ સ્ટાફ, અગ્નિદાહ આપનારો સ્ટાફ, સાથે આવેલા ડાધુઓ, ઓફિસ સ્ટાફ તમામને PPE કીટ, માસ્ક, હેન્ડગ્લોઝની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા હતા. જે બાદ મુક્તિધામના સ્ટ્રેચર, અગ્નિદાહની ચેમ્બર, મુખ્ય શેડ અને કમ્પાઉન્ડને હાઇપોક્લોરાઈડથી સેનિટાઈઝ કરવામાં આવતા હતાં.
દમણગંગા કિનારે આવેલ આ અદ્યતન મુક્તિધામમાં પારડીથી ઉમરગામ સુધીના કોવિડ મૃતદેહો અને નોર્મલ મૃતદેહોને લાવવામાં આવે છે. જેમાં 1 જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં મહિના મુજબ આવેલા મૃતદેહોમાં જાન્યુઆરીમાં 48, ફેબ્રુઆરીમાં 48, માર્ચમાં 57, એપ્રિલમાં 58, મે માસમાં 69 અને જૂન માસમાં 57 મૃતદેહોને જ્યારે, જુલાઈમાં 142, ઓગસ્ટમાં 163 અને સપ્ટેમ્બરમાં 137 મળી કુલ 779 મૃતદેહોને અગ્નિદાહ અપાયો હતો.