વલસાડઃ વાપીમાં જાણીતી આરતી ઇન્ડસ્ટ્રીઝ અને વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા વાપી GIDCમાં કામ કરતા કામદારો, પરિવારો અને સ્થાનિક લોકોના આરોગ્યની ચકાસનીનો પ્રોજેક્ટ હાથ ધરવામં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં આરતી ઇન્ડસ્ટ્રીઝના મેલ નર્સ અને આરોગ્ય વિભાગની આશા વર્કરો, MPW સ્ટાફ સાથે મળી ચાલીઓમાં રહેતા કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરી તેનો ડેટા એકત્ર કરે છે. વાપી મોડેલ નામના આ પ્રોજેકટ હેઠળ 2 અઠવાડિયામાં 3 હજાર જેટલા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જેમાંથી માત્ર 5 શંકાસ્પદ કેસ ઉપરાંત એકપણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો નથી.
આરતી ઇન્ડસ્ટ્રીઝે આ કામગીરી માટે પોતાના મેડિકલ સ્ટાફને આરોગ્ય વિભાગના મેડિકલ સ્ટાફ સાથે જોડી 'ડોર ટુ ડોર' સર્વે કરવા સાથે તેનો ખાસ ડેટા તૈયાર કર્યો છે. સ્ટાફને થર્મલ ગન, ઓક્સીમીટર આપવા સાથે કર્મચારી પોતાની કાળજી રાખી શકે તે માટે માસ્ક, હેન્ડ ગ્લોઝ, ફેસ કવર સહિત એમ્બ્યુલન્સની સુવિધા પુરી પાડી છે.
આ અનોખા પ્રોજેક્ટ અંગે આરોગ્ય વિભાગ અને હાલમાં કોવિડ-19માં ઇન્ડસ્ટ્રીઝ માટે નિયૂક્ત કરેલા નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટમાં લોકોનો પણ ખૂબ સહકાર મળી રહ્યો છે. આ પ્રોજેકટ વાપી GIDCની જેમ જિલ્લા અને રાજ્યની અન્ય GIDCમાં પણ ઉદ્યોગકારોના સહકારથી અમલમાં મૂકવો જોઈએ. હાલમાં 3 હજાર ટેસ્ટમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉફરાંત 23 એન્ટિજેન ટેસ્ટમાંથી પણ એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
વાપીના છીરી આરોગ્ય વિભાગના સ્ટાફ અને આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્ટાફની આ સર્વેલન્સ કામગીરીને ચાલીઓમાં રહેતા કર્મચારીઓએ પણ વધાવી છે અને તમામ વિગતો સ્ટાફને પુરી પાડે છે. જેનાથી કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓ શોધવામાં ખૂબ સરળતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં જ્યારે કોરોના મહામારી વિકરાળ બની રહી હતી ત્યારે કોર્પોરેટ ક્ષેત્રની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આરોગ્ય વિભાગને મદદરૂપ થવા અને કોર્પોરેટ કંપનીની દ્રષ્ટિએ પોતાની નૈતિક જવાબદારી નિભાવવા આ પહેલ કરી હતી. જેના સારા પરિણામ જોતા દિલ્હી મોડેલ અને કેરળ મોડેલની જેમ વાપી મોડેલ તરીકે સમગ્ર ગુજરાતમાં અપનાવવામાં આવે તો કોરોના પોઝિટિવ દર્દીઓને જલ્દી શોધી શકાય છે અને સમયસર સારવાર પુરી પાડી શકાય છે.