વલસાડ: એક સમયે દર મહિને સરેરાશ 5થી 5.5 કરોડ રૂપિયાની આવક રળી આપતી ભિલાડ ચેકપોસ્ટને રાજ્ય સરકારે 13 કરોડ રૂપિયા ખર્ચે આધુનિક બનાવ્યા બાદ ચેકપોસ્ટ નાબૂદીના નીર્ણયમાં કાયમ માટે બંધ કરી દેવામાં આવ છે. હાલ આ કરોડોની મિલકત એક તરફ અસામાજિક તત્વોનો અડ્ડો બની છે, તો બીજી તરફ જર્જરિત બનવા જઇ રહી છે.
આ એ ચેકપોસ્ટ છે, જેના થકી ગુજરાત સરકારને નાણાકીય વર્ષ 2018-19માં 60 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 6 માસમાં 34 કરોડ રૂપિયાની આસપાસની આવક સરકારી તિજોરીમાં જમા કરાવી હતી.
અહીં એક સમયે 19 RTO ઇન્સપેકટર, 37 GISF અને 5 ક્લાર્ક ફરજ બજાવતા હતાં. ભીલાડ ચેકપોસ્ટ પર રોજના 8થી 10 હજાર જેટલા વાહનોનું આવાગમન થાય છે. ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પરની આ મહત્વની ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનો પણ અડ્ડો ગણવામાં આવતી હતી. ભીલાડ ચેકપોસ્ટ પર ફોલ્ડરિયાઓ દ્વારા ઓવરલોડ વાહનો અને જે ટ્રક માલિકો ચેકપોસ્ટ પર નાણાં ભરવા નહોતા માગતા તેવા ટ્રકને ચોર રસ્તેથી પસાર કરાવતા હોવાનું અવારનવાર બહાર આવ્યું હતું.
જો કે, હવે ચેકપોસ્ટ જ નથી એટલે સરકારી તિજોરીમાં જમા થતી કરોડોની રકમની કે ભ્રષ્ટાચારની વાત પણ થતી નથી, પરંતુ હવે આ કરોડોની આધુનિક કચેરી જર્જરિત બની રહી છે. લુખ્ખા તત્વોનો અડ્ડો બની ચુકી છે. કચેરીઓમાં હજૂ પણ જે તે સમયે ઉપયોગમાં લેવાતી તિજોરી, કબાટ, રેકોર્ડ બુક, રજિસ્ટર તમામ જેમનું-તેમ વેરવિખેર હાલતમાં પડ્યું છે, ત્યારે ગુજરાતમાં ભૂતકાળ બનેલી ભિલાડ ચેકપોસ્ટ ભલે નાબૂદ થઈ હોય પરંતુ કરોડોના ખર્ચે બનેલી સરકારી કચેરીઓને, જો જાહેર જનતાના ઉપયોગ માટે હોસ્પિટલ, સર્કિટ હાઉસ, કે કોઈ એજન્સીને સોંપી હોટેલ-મોલમાં તબદીલ કરી હોત તો સરકારના કરોડો રૂપિયા લેખે પણ લાગ્યા હોત અને સરકારની તિજોરીમાં નવી આવક પણ ઉભી થઈ હોત.