- ગણેશોત્સવ નિમિત્તે સાર્વજનિક આયોજન ઘટ્યા
- મૂર્તિકારોને ત્યાં 50 ટકા મૂર્તિઓનું બુકીંગ ઘટ્યું
- કોરોના ગાઈડલાઈનના નિયમને કારણે ઘરે મૂર્તિઓનું સ્થાપન કરવાનો ટ્રેન્ડ વધ્યો
વાપી: 10મી સપ્ટેમ્બરે ચતુર્થીના દિવસથી વાપીમાં ગણેશોત્સવ શરૂ થશે. જો કે, દર વર્ષની સરખામણીએ આ વખતે સાર્વજનિક ગણેશ ઉત્સવના આયોજન કરતા આયોજકોએ ઘરે જ ગણેશજીની સ્થાપના કરી પૂજન અર્ચન કરવાનું વિચાર્યું છે. જ્યારે મૂર્તિકારોને ત્યાં દર વર્ષની સરખામણીએ આ વખતે 50 ટકા મૂર્તિનું બુકીંગ થયું છે. દેતા-લેતા ગણપતિની અને લાલબાગ કા રાજા સ્ટાઇલ મૂર્તિ આ વર્ષે ડિમાન્ડમાં રહી છે.
કોરોના ગાઈડલાઈનના નિયમ મુજબ ગણેશોત્સવની છૂટ મળી છે
વલસાડમાં દર વર્ષે ભક્તો ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. શહેરના અનેક સ્થળો પર રોશનીના ઝગમગાટવાળા સાર્વજનિક ગણેશોત્સવના પંડાલ તૈયાર કરવામાં આવે છે. જેમાં 20 ફૂટ સુધીની મૂર્તિઓનું સ્થાપન કરી પૂજન અર્ચન કરી ભક્તિભાવથી બેન્ડવાજા સાથે નદીમાં કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. જો કે, કોરોનાના કારણે ગત વર્ષે ગણેશોત્સવ પર કોરોના ગાઈડલાઈનના આધારે ઉજવણી કરવાની છૂટ આપી હતી. આ વર્ષે પણ કોરોના ગાઈડલાઈનના નિયમ મુજબ ગણેશોત્સવની છૂટ મળી છે, પરંતુ મૂર્તિકરોને ત્યાં પાછલા વર્ષની તુલનાએ મૂર્તિઓનું વેચાણ ઘટ્યું છે.
કોરોનાને વકરતો અટકાવવા સાર્વજનિક આયોજન મુલત્વી
મૂર્તિકારોને ત્યાં જેમ મૂર્તિઓનું વેચાણ ઘટ્યું છે. તેવી જ રીતે વાપીમાં આ વખતે મોટા આયોજનો પણ ઘટ્યા છે. જે અંગે છેલ્લા 27 વર્ષથી વાપી શાકભાજી માર્કેટમાં ગણેશોત્સવનું આયોજન કરતા મુકેશ બુદ્ધિસાગરે જણાવ્યું હતું કે, આ વર્ષે અમે ઘરે જ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરીશું. કેમ કે, સરકારની ગાઈડલાઈન મુજબ તે નિયમો પાળવા અશક્ય છે અને એવા સંજોગોમાં કોરોના વધે નહિ તે ધ્યાને રાખી આ વર્ષે સાર્વજનિક આયોજન મુલત્વી રાખ્યું છે.
મૂર્તિની સાઈઝ 2 ફૂટથી 4 ફૂટની રાખવાનો સરકારનો આદેશ
વર્ષોથી ગણેશજીની પ્રતિમા બનાવતા મૂર્તિકાર વિલાસ શિંદેએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી સાઢું માટીની અને કુદરતી કલરમાં મૂર્તિઓ તૈયાર કરતા આવ્યાં છે. આ વર્ષે મૂર્તિની ડિમાન્ડ ઘટી છે, પરંતુ એક હાથથી પ્રસાદ ગ્રહણ કરતા અને એક હાથથી આશીર્વાદ આપતા લેતા-દેતાં ગણપતિની મૂર્તિ, લાલ ધોતીવાળા ગણેશજીની મૂર્તિ અને લાલ બાગ કા રાજા સ્ટાઈલની મૂર્તિઓની ડિમાન્ડ છે. વિલાસ શિંદેને ત્યાં 1100થી લઈને 12,500 રૂપિયાની મૂર્તિઓ વેચાણમાં છે, પરંતુ તેની સાઈઝ 2થી 4 ફૂટ સુધીની જ સરકારની ગાઈડલાઈન મુજબની છે.
ઘરમાં સ્થાપન કરતા ભક્તો યથાવત રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, વાપીમાં ગણેશ ઉત્સવ દરમિયાન નાની-મોટી 10 હજારથી વધુ મૂર્તિઓનું ગણેશ ભક્તો પોતાના ઘરે, સોસાયટીમાં અને સાર્વજનિક પંડાલમાં સ્થાપન કરે છે. અનંત ચૌદશ સુધી ભક્તિભાવથી તેનું પૂજન-અર્ચન કરે છે અને તે બાદ વાજતે-ગાજતે તેનું વિસર્જન કરે છે. જો કે, આ વખતે કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી મૂર્તિ વધુમાં વધુ 4 ફૂટની અને તેના દર્શન માટે તેમજ આરતીમાં 15 વ્યક્તિથી વધુ વ્યક્તિને પ્રવેશ નહિ, મહાપ્રસાદના આયોજન નહિ, વિસર્જન પણ કૃત્રિમ કુંડમાં જ કરવાના આદેશ છે. ગણેશ ચતુર્થીના સાર્વજનિક શેરીઓમાં અને સોસાયટીઓમાં થતા પૂજન-અર્ચનના આયોજન ઘટ્યા છે. જ્યારે ઘરમાં સ્થાપન કરતા ભક્તો યથાવત રહ્યા છે.