- દમણમાં વિકેન્ડ કરફ્યૂની ઐસી કી તૈસી
- બીચ પર પ્રવાસીઓનું માનવ મહેરામણ
- કોરોના હળવો થતા જ દમણમાં પ્રવાસીઓ ઉમટ્યા
દમણ : ગુજરાત અને દમણમાં કોરોનાના કેસ ઘટતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણમાં ફરવા આવી રહ્યા છે. રવિવારે દમણના દેવકા બીચ રોડ અને દરિયા કિનારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવ્યા હતા. કોરોના બાદ ઘરમાંથી પરિવાર સાથે દમણ આવેલા પ્રવાસીઓએ ETV Bharat સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાત તેમજ મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ઉમટી પડ્યા
દમણ પ્રશાસને શનિવાર, રવિવારે બીચ પર પ્રવાસીઓને જવાની મનાઈ ફરમાવી છે પરંતુ પ્રવાસીઓએ પ્રશાસનના આ જાહેરનામાને ગણકાર્યા વિના જ દેવકા બીચ પર રવિવારની મોજ માણી હતી. પ્રવાસીઓનું કહેવું હતું કે, કોરોના દરમ્યાન ઘરમાં જ પૂરાયેલા રહ્યા હતાં અને હવે 4 મહિને બહાર નીકળ્યા છીએ. ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, મોરબી, રાજકોટ જેવા શહેરો સહિત કેટલાક પ્રવાસીઓ છેક મહારાષ્ટ્રથી દમણ ફરવા આવી પહોંચ્યા હતા. શનિ-રવિવારે આવી પહોંચેલા પ્રવાસીઓએ દરિયાના ઉછળતા મોજાઓ સાથે સૂર્યાસ્તનો આહ્લાદક નજારો પણ માણ્યો હતો.
કોરોનાને ખુલ્લું આમંત્રણ
મોટી સંખ્યામાં દમણ પ્રવાસે આવેલા પ્રવાસીઓ બીચ પર, જાહેર માર્ગ પર, હોટેલોમાં શરાબની મોજ સાથે જાણે કોરોનાને અલવિદા કરવા આવ્યા હોય તેમ મોજમસ્તીમાં ઝૂમતા અને આનંદ માણતા હતાં. જોકે, આ સાથે સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્કની અમલવારી કરતા હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું, પરંતુ હકીકતમાં આ રીતે જાહેરમાં ભેગા થઈને પ્રવાસીઓ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જ જોવા મળ્યા હતાં.