વાપી : વાપીમાં શિવાલીક હાઇટ્સ અને પ્રમુખ ગ્રીન જેવી સોસાયટીઓમાં મોટી સંખ્યામાં અલગ અલગ રાજ્યના લોકો વસવાટ કરે છે. જેઓ નવરાત્રીમાં (Navratri 2022) સવાયા ગુજરાતી બની માતાજીની આરાધના સાથે ગરબે (Non Gujaratis also played Garba with Gujaratis) રમે છે. નવરાત્રી મહોત્સવ (Navratri Festival 2022) રમિયાન હવે ધીરેધીરે સોસાયટીઓમાં જ DJ ના તાલે અને રોશનીની જાકમજોળ વચ્ચે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વાપીમાં પ્રમુખ ગ્રીન સોસાયટીમાં ગરબાની રમઝટ વચ્ચે પારિવારિક ભાવના પ્રગટે તે માટે તમામ પ્રાંત રાજ્યના લોકો ઉત્સાહભેર ગરબે રમે છે.
બિન ગુજરાતી ખેલૈયાઓએ ગરબાનો આનંદ માણ્યો : પ્રમુખ ગ્રીન સોસાયટીમાં ગુજરાતી પરિવાર ઉપરાંત મહારાષ્ટ્રીયન, ઉત્તરભારતીય, દક્ષિણ ભારતીય લોકો ધંધા રોજગાર માટે સ્થાઇ થયા છે. જેઓએ ગુજરાતના ગરબા મહોત્સવમાં રમઝટ બોલાવવા માટે નવરાત્રી પહેલા જ 2 મહિના સુધી ગરબાની પ્રેક્ટિસ કરી હતી.
મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ ગરબે ઝૂમી : ગુજરાતી મહિલાઓ સાથે અન્ય રાજ્યની મહિલાઓ પણ દરરોજ સોસાયટીમાં આયોજિત ગરબા મહોત્સવમાં ગરબે રમેં છે. ત્યારે આઠમનું નોરતું ખૂબ જ મહત્વનું નોરતું હોય છે. સોસાયટીમાં રહેતી ગુજરાત સિવાયના રાજ્યની બહેનોએ ગરબા સાથેના વિવિધ સ્ટેપમાં ગરબે રમી નવરાત્રીની રમઝટ બોલાવી હતી. પરંપરાગત ગરબા નૃત્ય જળવાય રહે તેવા ઉદેશયથી ગરબે રમતી મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ ગરબે ઝૂમતી જોવા મળી હતી.
ભારતના વિવિધ રાજ્યમાંથી પરિવારોએ નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો : વાપીમાં શિવાલીક હાઇટ્સમાં ભારતના વિવિધ રાજ્યમાંથી આવેલા 290 જેટલા પરિવારોએ ગુજરાતી ગરબાના તાલે નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિવાલીક હાઇટ્સ સોસાયટીમાં રહેતા આ પરિવારોએ વિવિધતામાં એકતાનું સૂત્ર સાર્થક કર્યું હતું. નવરાત્રી મહોત્સવના આયોજનમાં આઠમના દિવસે તમામ પરિવારો માતાજીના હવનમાં ઉપસ્થિત રહ્યા હતાં. જે બાદ પોતાના પારંપરિક પોશાકમાં સજ્જ થઈ ગરબે રમ્યા હતાં.
વિવિધ રાજ્યના પરિવારીઓએ વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા : શિવાલીક હાઇટ્સમાં આઠમના નોરતે પુરુષોએ સફેદ જબ્બો-પાયજામો અને માથે કેસરી સાફામાં સજ્જ થઈ ગરબે રમ્યા હતાં. મહિલાઓએ ચણિયાચોળી સહિતના ડ્રેસમાં સજ્જ થઈ માથે ગરબો રાખી ગરબે રમી હતી. આબાલવૃદ્ધ સૌ કોઈ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ ઉત્સાહભેર ગરબે રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખે આશા વ્યક્ત કરી હતી કે, જે રીતે અહીંની સોસાયટીઓમાં વિવિધ રાજ્યના પરિવારીઓએ વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા છે. તેવી જ ભાવના દેશના દરેક રાજ્યમાં રહેતા દેશવાસીઓ પ્રગટ કરે અને આવા તહેવારો હળીમળીને ઉજવશે તો જ દેશમાં કાયમ શાંતિ એકતા અને ભાઈચારો જળવાય રહશે.