- મોહન ડેલકરની આત્મહત્યાની મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી
- દાદરા નગર હવેલીના પ્રશાસક સહિત 9 સામે આરોપ છે
- ડેલકરની આત્મહત્યાથી રાજકીય મુદ્દો ગરમાયો છે
અમદાવાદ: મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં 9 માર્ચે મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે, જેમાં નવ નામ નોંધવામાં આવ્યા હતા. જેમાં, સૌથી પહેલા દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલનું નામ છે. (2) સંદીપ સિંગ- કલેકટર છે (3) શરદ દરાડે- ડીએસપી પણ તેમની ટ્રાન્સફર થઈ ગઈ છે (4) અપૂર્વ શર્મા- આરડીસી (5) મનસ્વી જૈન- ડીવાયએસપી (6) મનોજ પટેલ- પીઆઈ (7) રોહિત યાદવ- પીઆઈ (8) ફતેસિંહ ચૌહાણ- ભાજપના અગ્રણી નેતા (9) દિલીપ પટેલ- તલાટી સામે આરોપ છે. મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે FIR નોંધાવી છે, તે મુજબ તેમણે ઘણી બધી બાબતો FIRમાં જણાવી છે. સૌપ્રથમ આરોપ મુકતા તેમણે લખાવ્યું છે કે, દાદરા નગર હવેલીનું પ્રશાસન તેમને પજવતું હતું. તેમનો તિરસ્કાર કરતું હતું. તેમનો હેતુ મારા પિતાની સાયલી ગામે આવેલી SSR કૉલેજ પર કબજો મેળવવાનો હતો. તેમને આગામી ચૂંટણી લડતા અટકાવવાના પણ હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની SIT દ્વારા તપાસ કરાશે
મારા પિતાએ ગેરવહીવટનો મુદ્દો ઉઠાવ્યો હતોઃ અભિનવ
FIR મુજબ અભિનવ ડેલકરે લખાવ્યું છે કે, મારા પિતાએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ગેરવહીવટનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો. સંસદમાં, વિવિધ અધિકારીઓ અને વિવિધ પદાધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. મારા પિતા સામે ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. મારા પિતા અનુસુચિત જાતીના હોવાથી તેમને જાહેર કાર્યક્રમો, ઈવેન્ટ્સમાં ઈરાદાપૂર્વક અપમાન કરવામાં આવતું હતું.
મુક્તિ દિવસે 66 વર્ષની પરંપરા તૂટી હતી
2 ઓગસ્ટએ દાદરા નગર હવેલીનો મુક્તિ દિવસ છે, તે દિવસે સિલવાસામાં મુક્તિ દિવસનો કાર્યક્રમ હતો, જેમાં મુખ્ય મહેમાનપદે સાંસદ હોય છે. કાર્યક્રમમાં એડમિનિસ્ટ્રેટર અને ત્યારબાદ સાંસદ દ્વારા સંબોધન કરાતું હોય છે. આ પરંપરા 66 વર્ષથી ચાલે છે. પરંતુ 2 ઓગસ્ટ, 2020માં કલેકટર પોતે મુખ્ય અતિથિ બન્યા, અને તેમણે ભાષણ આપ્યું. મારા પિતાનું નામ આ કાર્યક્રમમાંથી દૂર કરવામાં આવ્યું હતું. મારા પિતાએ લોકસભા વિશેષાધિકાર સમિતિ અને લોકસભા અધ્યક્ષને ફરિયાદ નોંધાવી હતી.
2 સપ્ટેમ્બર, 2020ના રોજ નિવાસી નાયબ કલેકટર અપૂર્વ શર્માએ તેમના પત્રમાં મારા પિતાનો અપમાનજનક રીતે ઉલ્લેખ કર્યો હતો. બીજા પણ અનેક કાર્યક્રમોની સુચીમાંથી મારા પિતાનું નામ રદ કરાતું હતું. તેમને ભારે અપમાન અને તિરસ્કારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: મોહન ડેલકર આત્મહત્યા કેસઃ કોંગ્રેસે ડેલકર સમર્થકોને રોડ પર ઉતરવા આહ્વાન કર્યું
જૂના કેસની ફરીથી તપાસ શરૂ કરાઈ
પોલીસ અધિક્ષક શરદ દરાડેના આદેશથી ઈન્સ્પેકટર મનોજ પટેલે મારા પિતા વિરુદ્ધ સિલવાસા પોલીસ સ્ટેશનમાં જૂના કેસમાં ફરીથી તપાસ શરૂ કરી હતી. મારા પિતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં પ્રશાસક દ્વારા કાંઈ બાકી રાખવામાં આવ્યું નથી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ફતેસિંહ ચૌહાણે મારા પિતા પર ખોટા અને ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેને સોશિયલ મીડિયામાં ફેલાવ્યા હતા. જાણી જોઈને તેમને પરેશાન કરાયા હતા. મારા પિતાએ તેમને મુંબઈના વકીલ પાસેથી આબરૂ ઉછાળવા સંદર્ભે નોટિસ મોકલી હતી.
SSR કોલેજ નિયંત્રણમાં લેવાનો કારસો હતો
દિલીપ પટેલ(તલાટી)એ 18-2-2021ના પોજ એડમિનિસ્ટ્રેટરની કચેરીમાં ખોટી અને પાયાવિહોણી ફરિયાદ નોંધાવી હતી. આ બધુ સિનિયર અને જુનિયર અધિકારીઓ દ્વારા પ્રફુલ પટેલની સુચના મુજબ કરવામાં આવતું હતું. મારા પિતા રચિત ટ્રસ્ટની SSR કોલેજ ફોર ફાર્મસી એન્ડ મેનેજમેન્ટ માટે પ્રતિષ્ઠિત છે. પરંતુ સંચાલક પ્રફુલ પટેલ કૉલેજને પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. આવા માનસિક ત્રાસ અને અપમાનજનક વર્તાવને કારણે મોહન ડેલકરે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ FIRમાં છે. જાણવા મળ્યા મુજબ, મોહલ ડેલકરના અનેક બિઝનેસ છે. પેટ્રોલ પંપ, હોટલ બિઝનેસમાં પણ તેઓ છે. તેમણે SSR કૉલેજની સાથે આદિવાસી ભવન પણ બનાવ્યું હતું. ત્યાંના અનેક ઉદ્યોગપતિઓ સાથે પણ તેમના સંબધો હતા.
આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની જીવન સફર
મોહલ ડેલકરના પિતા પણ સાંસદ હતા
મોહન ડેલકરના પિતા સંજીભાઈ ડેલકર સ્વાતંત્ર્ય સેનાની હતા, અને દાદરા નગર હવેલીના સૌપ્રથમ સાંસદ પણ બન્યા હતા. તેમનો પુત્ર મોહન ડેલકર 1989માં સાંસદ બન્યા હતા. સાત વખત લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મોહન ડેલકરે ભારતીય નવશક્તિ પાર્ટીની પણ રચના કરી હતી. 2019માં તેમણે કોંગ્રેસનો પંજો છોડીને અપક્ષ ઉમેદવારી કરી હતી, તો પણ તેઓ ચૂંટાઈ આવ્યા હતા. ગત વર્ષે તેમણે બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમારના જેડીયુ સાથે કરાર કર્યા હતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવી હતી.
મોહન ડેલકરની આત્મહત્યાનો મુદ્દો લોકસભામાં
મોહન ડેલકરની આત્મહત્યાનો મુદ્દો આજે લોકસભામાં પણ ચર્ચાયો હતો અને શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે એટીએસને તપાસ સોંપવાની માંગ કરી હતી. જો કે FIR થયા પછી જે નામ લખ્યા છે, તેમની પોલીસ તપાસ થશે, પોલીસ તેમના નિવેદન લેશે, ત્યારબાદ સાચી હકીકતો બહાર આવશે અને કોર્ટ શુ ન્યાય આપે છે, તેના પર સૌની નજર રહેશે. જો કે હાલ તો મોહન ડેલકરની આત્મહત્યાનો મુદ્દો રાજકીય રીતે ગરમ મુદ્દો રહ્યો છે.