દમણ: સંઘપ્રદેશમાં વીજ વિભાગની કચેરીએ મોટી સંખ્યામાં વિજગ્રાહકોએ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો. આ લોકોના જણાવ્યા અનુસાર, વીજ બીલમાં એકા એક વધારો કરી નાખી તોતિંગ બીલ ફટકારવામાં આવ્યું છે. જો કે, વીજ બીલના અધિકારીઓએ આ સમયે વીજ બીલ અલગ-અલગ મહિનાના એક સાથે આવ્યા હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો, જ્યારે કાયમ પ્રશાસન સામે પ્રજાલક્ષી પ્રશ્નોમાં ભીગી બીલ્લી બની જતા રાજકીય આગેવાનોએ એકબીજા પર મામલો ભડકાવવાના આક્ષેપો કરી રાજકારણ રમી નાખ્યું હતું.
સંઘપ્રદેશ દમણમાં વર્ષોથી મોટામાં મોટી જે રાહત હતી તે વીજળીના ટેરિફ પર હતી. ગુજરાત સહિત રાજ્યની વીજળીના ટેરિફ સામે સંઘ પ્રદેશોમાં વીજળી ટેરિફ ખાસો ઓછો હોવાથી બીલમાં લોકોને રાહત મળે છે, પરંતુ જ્યારથી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા સંઘ પ્રદેશના વિધુત વિભાગને ખાનગીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી સંઘ પ્રદેશ દમણમાં રાજકીય માહોલ ગરમાયો છે.
આવા સમયે જ દમણમાં લોકોના વીજળીના બીલ બમણાં આવવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દમણ વિદ્યુત વિભાગ દ્વારા કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં માર્ચ મહિનાનું મીટર રીડિંગ કરવામાં નહોતું આવ્યું અને પછીથી મે મહિનામાં રીડિંગ કરવામાં આવ્યુ હતું. જેના કારણે વીજળીના બીલ બમણાં આવવાથી આ રોષ ફાટ્યો હતો.
આ હોબાળો શાંત કરવા દમણ-દીવ સાંસદના પત્ની તરુણા પટેલ, નગરપાલિકા કાઉન્સિલર ચંદ્રગીરી ટંડેલ અને યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલ વિદ્યુત વિભાગમા પહોંચ્યા હતા. જ્યાં લોકોને જમા થયેલા જોઈ નાની દમણ પોલીસે ઇન્ચાર્જ પી.આઈ.સોહીલ જીવાણીએ પોલીસે ટીમ સાથે લૉ-એન્ડ ઓર્ડર મેઇન્ટેન કરી રોષમાં આવેલી મહિલાઓને શાંત કરી સ્તિથી પર કાબૂ મેળવ્યો હતો.
આ સમયે સાંસદ લાલુ પટેલના પત્ની તરુણા પટેલે યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલ પર લોકોને ભડકાવવાના આક્ષેપો કર્યા હતાં અને તેમણે લોકોને સમજાવી શાંત કર્યા હોવાની શાબાશી મેળવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બીલ 2 મહિનાનું છે.
જો કે, દમણવાસીઓએ વીજ બીલને લઈને વિદ્યુત વિભાગમાં જે હોબાળો કર્યો, તેમાં રાજકીય આગેવાનોએ પોતાનું રાજકારણ રમી નાખ્યું હોવાની પ્રતીતિ દમણ વાસીઓને થઈ હતી. કારણ કે, વિદ્યુત વિભાગના ખાનગીકરણ મુદ્દે પ્રશાસન સમક્ષ આંદોલન તો છોડો રજૂઆત કે વિનંતી પણ કરવામાં ભીગી બીલ્લી બનેલા આગેવાનો અહીં એકબીજા પર દોષારોપણ કરતા હતા.