દમણ: કોસ્ટગાર્ડને એક દિવસ પહેલા ખબર મળી હતી કે, દમણના દરિયા કિનારાથી 15-20 કિલોમીટર દૂર એક અજાણી બોટ ખાલી પડેલી છે. જેને પગલે દમણ કોસ્ટગાર્ડ, દમણ મરીન પોલીસ, કસ્ટમના અધિકારીઓ અને સ્થાનિક માછીમારો અન્ય બોટ મારફતે ખાલી પડેલી બોટ સુધી પહોંચ્યા હતા. મધદરિયે ઉછળતા મોજામાં હાલક ડોલક થતી બોટમાં કોસ્ટગાર્ડના જવાનોએ પ્રવેશીને સઘન તપાસ હાથ ધરી હતી.
જો કે, બોટમાં તપાસ દરમ્યાન કોઈ જ સંદિગ્ધ વસ્તુ મળી આવી નહોતી, પણ બોટની બનાવટ જોતા આ બોટ ભારતમાં નહિ પણ કોઈ અન્ય દેશમાં બનાવવામાં આવી હોય એવું લાગતું હતું, જે ઈરાની બાંધણીની હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું. હાલ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે બોટને પોતાના કબ્જામાં લીધી છે અને તે બોટ અહીં ક્યાંથી આવી? કોણ લાવ્યું? નાવિકો ક્યાં ગયા? વગેરે સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.