- કોંગ્રેસની કોવિડ-19 ન્યાયયાત્રા
- વલસાડમાં 650 થી વધુ ફોર્મ ભરાયા
- ન્યાય માટે કોર્ટમાં જવું પડે તો જઈશું: કોંગ્રેસ
વલસાડ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને વલસાડ કોંગ્રેસ સમિતિએ મંગળવારે વાપીમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેલા માજી સાંસદ અને કોંગ્રેસ સમિતિએ નિયુક્ત કરેલા કિશન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશીએ કોવિડ ન્યાયયાત્રા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને વળતર આપવાની આ ન્યાય યાત્રા છે. એ અંગે કોર્ટમાં જવું પડશે તો જઈશું અને જો સરકાર કોંગ્રેસની બનશે તો સૌથી પહેલા આ મુદ્દાઓ પર બિલ પાસ કરીને ન્યાય અપાવીશું.
કોવિડ-19 ન્યાયયાત્રા હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરાયું
વાપીમાં હોટેલ માધવ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રા હેઠળ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા માજી સાંસદ કિશન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને વલસાડ જિલ્લામાં કોરોના મહામારીના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારને 4 લાખનું વળતર મળે, કોરોના સારવારમાંથી જે સાજા થયા તેવા દર્દીઓને બીલની રકમ ચૂકવે, કોરોના વોરિયર્સના મૃત્યુ બાદ તેમના પરિવારમાંથી કોઈ એકને નોકરી આપે તેવી માગ સાથે કોંગ્રેસની આ ન્યાયયાત્રાનું આયોજન છે.
સરકારે કોરોનાના આંકડા છુપાવ્યા છે: કિશન પટેલ
ન્યાયયાત્રા અંગે કિશન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો દરેક પરિવારને મળી તેમની વિગતો મેળવે છે. વીડિયો- ફોટા પુરાવા સાથે ફોર્મ ભરી તેની નોંધણી કરે છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં આવા 650 થી વધુ ફોર્મ ભરાયા છે. હજુ પણ ગણતરી ચાલુ છે. ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, સરકાર જે 10 હજારનો આંકડો બતાવે છે તેની સામે કદાચ 3 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
ન્યાય માટે પોતાની સરકાર બનશે તો પહેલું બિલ પાસ કરશે
જો ભાજપ સરકાર આ અંગે ન્યાય નહિ કરે તો કોંગ્રેસ આ મામલે કોર્ટમાં જશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો સૌ પહેલા આ બિલ પાસ કરશે તેવું કિશન પટેલે જણાવ્યું હતું. કોરોનામાં મૃતાત્માઓના સાચા આંકડાને લઈને એક તરફ આમ આદમી પાર્ટીએ પણ ભાજપ સરકારને ભેખડે ભરાવવા રાજનીતિ શરૂ કરી છે. કોંગ્રેસ પણ આ જ રાજનીતિ રમતી હોવાના સવાલ સામે કિશન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજકીય પાર્ટી છે. રાજકીય એજન્ડામાં આ મુદ્દાઓ હોવા જોઈએ પરંતુ કોંગ્રેસની સરકાર બને કે ન બને ન્યાય માટે લડત જરૂર ચલાવશે. આમ આદમી પાર્ટી તો હમણાં આવી છે. જ્યારે કોંગ્રેસે સત્તા ભોગવી છે સત્તા વિહોણી પણ રહી છે. ન્યાય માટે ત્યારે પણ અને આજે પણ લડતી આપવી છે.
ભાજપ-આપ પર પ્રહારો કર્યા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલ, પાલિકાના વિપક્ષી નેતા સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. રાજકીય પ્રશ્નોના જવાબો આપી ભાજપ-આમ આદમી પાર્ટી પર આક્ષેપો કર્યા હતાં.