- સી.આર.પાટીલે પેજ કમિટીનું મહત્વ સમજાવ્યું
- વાપીમાં પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કરાયું
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા ઉમેદવારોનું સન્માન કરાયુ
વલસાડ: ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ચૂંટણી પ્રભારી ભરતસિંહ પરમારના હસ્તે પારડી વિધાનસભાના પેજ કમિટીના સભ્યોને કાર્ડ એનાયત કરવાનો તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં બિન હરીફ વિજેતા થનારા ઉમેદવારોને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પેજ કમિટીથી ભાજપને ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખુબ જ ફાયદો થયો છે. હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અનેકગણો ફાયદો થશે.
સી.આર.પાટીલે પેજપ્રમુખોને કાર્ડ આપી સન્માનિત કર્યા
પારડી વિધાસભાના પેજ કમિટીના પ્રમુખો, સભ્યોને કાર્ડ વિતરણ કરવાનો અને પેજ કમિટીથી કેવી સફળતા મળી શકે તે અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ વાપીના જય રિસર્ચ ફાઉન્ડેશન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ આપી સન્માનિત કર્યા હતાં. આ સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા ઉમેદવારોનું સન્માન કરી પેજ કમિટીનું મહત્વ સમજાવ્યું હતું.
સી.આર.પાટીલે દરેક જિલ્લા અને વિધાનસભા ક્ષેત્રમાં પેજ કમિટીની રચના કરવાની હાકલ કરી
ભાજપના કાર્યકરોને સંગઠિત કરી એક ઢાંચામાં ઢાળવા માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દરેક જિલ્લા અને વિધાનસભા ક્ષેત્રમાં પેજ કમિટીની રચના કરવાની હાકલ કરી હતી. જે બાદ ભાજપને ચૂંટણીમાં અનેક ફાયદા થયા હોવાનું વાપી પેજ પ્રમુખ સંમેલનમાં ઉપસ્થિત રહેલા સી.આર.પાટીલે જણાવ્યું હતું.
પેજ કમિટીની રચના કર્યા બાદ ભાજપ તરફી મતદાન
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યુ હતું કે, કાર્યકરોને એક સિસ્ટમમાં લાવવાનો આ પ્રયાસ સફળ રહ્યો છે. ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને હાલના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પેજ કમિટીની રચના કર્યા બાદ ભાજપ તરફી મતદાન વધુ દેખાઈ રહ્યું છે.
પેજ કમિટીના ચમત્કારથી કપરાડામાં જંગી લીડ મેળવી
સી.આર.પાટીલે પોતાના કાર્યકર્તા સંબોધનમાં પણ કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પેજ કમિટીના ચમત્કારથી જ 47 હજારની લીડ મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો અને પેજ કમિટી શું છે તે હવે લોકો મને કહે છે. કપરાડા વિધાનસભાના જીતુભાઇ ચૌધરી પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી પેજ કમિટીનું મહત્વ સમજી ચૂક્યા હોવાની ટકોર કરી કોંગ્રેસ પર આડકતરા પ્રહારો કર્યા હતાં.
પેજ કમિટીના પ્રમુખો સભ્યોનું સંમેલન કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે પણ પેજ કમિટી મહત્વની છે. જેના થકી જ ચૂંટણી જીતવાનો નિર્ધાર સેવ્યો હોવાનું જણાવી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, દરેક વિધાનસભામાં પેજ કમિટીના પ્રમુખ, સભ્યોનું સંમેલન યોજીને, તેમના દ્વારા જ મતદાન કરાવવાનો આગ્રહ રાખશો તો ભાજપના ઉમેદવારને કોઈ તાકાત હરાવી નહિ શકે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આવનારા પરિણામમાં ભાજપના ઉમેદવારો વિજય થશે અને ભવ્ય વિજય સરઘસમાં જોડાવા સંમેલનમાં કાર્યકરોને આમંત્રણ પાઠવ્યું હતું.
વલસાડ જિલ્લા પંચાયતની તમામ બેઠક ભાજપ કબ્જે કરશે
ગુજરાતમાં વિધાનસભા ક્ષેત્રમાં પ્રદીપસિંહ જાડેજાએ સૌથી વધુ પેજ પ્રમુખો બનાવ્યા હોવાનું અને જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા હોવાનું પણ સી.આર.પાટીલે જણાવ્યું હતું. જ્યારે ચૂંટણી પ્રભારી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, હાલ મહાનગરમાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં કમળ સોળે કળાએ ખીલશે. આગામી 28મીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કમળ ખીલશે. વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયતની તમામ બેઠક ભાજપ કબ્જે કરશે.
SBPP બેન્કના ઉમેદવારોનું સન્માન કરાયું
ઉલ્લેખનીય છે કે, પેજ કમિટી સંમેલનમાં વલસાડ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકના ધારાસભ્યો, વલસાડ જિલ્લા સાંસદ, વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે SBPP કો-ઓપરેટિવ સરદાર બેંકની ચૂંટણીમાં ઝંપલાવનારા ભાજપના ઉમેદવારો, પેજ કમિટીના પ્રમુખો,સભ્યો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.