સરીગામ: ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઇડીસીમાં રાયસાગર અને JBF કંપની નજીક પ્રિ-મોન્સૂન કામગીરીમા ગટરના નાળાની સાફ-સફાઈ દરમિયાન નાળામાંથી પસાર થતી GSPCની ગેસ પાઈપલાઈન JCBના મારથી તોડી નાખતા ગેસ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું અને વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.
સરીગામ GIDC વિસ્તારમાં હાલ પ્રિ મોન્સૂન અંતર્ગત નાળા સાફસફાઈ કામગીરી હાથ ધરી છે. શુક્રવારે એક તરફ વરસાદી માહોલ હતો અને બીજી તરફ નાળા સફાઈની કામગીરી ચાલી રહી હતી, ત્યારે JCB થી નાળાનો કચરો કાઢવામાં અને નાળાને ઊંડા કરવાની કામગીરીમાં JCBના મારથી નાળાને સમાંતર પાથરવામાં આવેલી GSPC ની ગેસ લાઇન તૂટી ગઈ હતી. જેને કારણે ગેસ પાઈપલાઈનમાંથી ચુવાક થયેલો ગેસ આગમાં પરિવર્તિત થયો હતો.
આ ઉપરાંત લબકારા મારતી આગની જ્વાળાને કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરે વિભાગે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
GSPCની ઈમરજન્સી સેવાના અધિકારીઓને પણ જાણ થતાં તાત્કાલિક ગેસ ચેમ્બરમાંથી ગેસનો પુરવઠો બંધ કરી દેતા મોટી જાનહાની ટળી હતી. ભીલાડ અને સરીગામ પોલીસ મથકના પોલીસ સ્ટાફ પણ શાંતિ-સલામતી અર્થે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.