ભાવનગરઃ સાંસદ ભારતીબેન શિયાળને ભાજપ દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, ત્યારે શહેરમાં સર ટી હોસ્પિટલ સામે આવેલા ભાજપના કાર્યાલય ખાતે ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવતા આતિશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો કાર્યાલયે દોડી ગયા હતા. જ્યા કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
કોરોના મહામારીમાં કોરોનાની ગાઇડ લાઇનનું જે લોકો પાલન ના કરે તેની પાસેથી સરકારી તંત્ર સરકારના આદેશ બાદ મસમોટી રકમનો દંડ વસુલે છે, તે જ નિયમોનું એ જ સરકારનો પક્ષ ધજાગરા કરી રહ્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું કાયદો ફક્ત પ્રજા માટે જ છે. શહેરમાં ભાજપ દ્વારા સાંસદ ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવતા ખુશીનો માહોલ સર્જાયો હતો.
ભાજપના કાર્યાલયે કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી, જ્યા શાસનમાં બેઠેલા ભાજપને કોરોના મહામારીની ગાઈડલાઈન પણ ભુલાઈ ગઈ હતી.
શહેરમાં સર. ટી હોસ્પિટલ સામે આવેલા ભાજપના કાર્યાલય ખાતે સાસંદને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવતા આતિશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો કાર્યાલય દોડી ગયા હતા. હાથમાં ભાજપના ધ્વજ સાથે કાર્યકરો અને આગેવાનોએ ખુશી વ્યક્ત કરી હતી.
કોરોના મહામારી ચાલી રહી છે, તેમ છતાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ જોવા મળ્યો હતો. આતિશબાજી સાથે એકઠા થયેલા રાજકીય પક્ષના લોકોની સરકાર સત્તામાં છે અને ભાજપ તંત્ર પાસે જે લોકો સોશિયલ ડિસ્ટન્સ ના રાખે માસ્ક ના પહેરે તેની પાસેથી કડક હાથે દંડ વસૂલવા આદેશ કર્યા છે. ત્યારે કાયદો માત્ર પ્રજા માટે છે પણ રાજકીય પક્ષો માટે નથી તેમ સાબીત થઇ રહ્યું છે. લોકોમાં પણ પ્રશ્ન એ જ હતો કે, પ્રજાના મત લઈને સત્તામાં બેસી ગયા પછી કાયદા રાજકીય પક્ષોની સરકાર માટે માત્ર પ્રજા પૂરતા હોઈ છે. ભાજપ ખુશી વ્યક્ત કરવામાં ભાન ભૂલી ગયું કે કોરોના મહામારી ચાલી રહી છે.