- વાવાઝોડામાં ધરાશાયી થયેલાં વૃક્ષોના લાકડાં ગાયબ
- સ્મશાનમાં લાકડું આપવાનું મનપાનું નિવેદન
- સ્મશાનના ટ્રસ્ટીઓને મળ્યાં નથી
ભાવનગરઃ રાજ્યામાં ત્રાટકી પડેલા તૌકતે વાવાઝોડા(tauktae cyclone)એ ભાવનગરમાં અંદાજે 1,100 વૃક્ષો ધરાશાયી કર્યાં હતાં. આમ વાવાઝોડાને કારણે હજારો મણ લાકડું નીકળ્યું હતું. મહાનગરપાલિકા(Municipal corporation)એ આ લાકડું લોકોને લઇ જવા અંગે કહ્યું હતું અને બચેલું લાકડું શહેરના 4 સ્મશાનમાં આપ્યું હોવાનું નિવેદન મનપાએ આપ્યું હતું, પરંતુ 2 મુખ્ય સ્મશાનના ટ્રસ્ટીએ આ અંગે જણાવ્યું કે, તેમને લાકડું મળ્યું નથી.
આ પણ વાંચોઃ ભાવનગરમાં વાવાઝોડાના 7 દિવસે પણ વૃક્ષો અને વિજપોલ રસ્તા પર અકસ્માતને આપી રહ્યા નોતરૂં
વાવાઝોડાનું હજારો મણ લાકડું ગાયબ!
ભાવનગર શહેરમાં વાવઝોડામાં પડેલા 1,100 વૃક્ષોનું હજારો મણ લાકડું નીકળ્યું છે, ત્યારે સ્મશાનમાં લાકડું આપ્યું હોવાનું મહાનગરપાલિકાના મેયર અને ગાર્ડન વિભાગના અધિકારીએ જણાવ્યું છે, પરંતુ ETV Bharatએ સ્મશાનમાં રિયાલિટી ચેક(Reality check) કરીને ટ્રસ્ટીને પૂછતાં ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે. કુંભારવાડા સ્મશાનમાં અને ગોરડના સ્મશાનમાં સૌથી વધુ કોરોના અને કો-મોરબિડના મૃતદેહો(Dead body) ગયા છે.આમ છતાં કુંભારવાડા સ્મશાનના ટ્રસ્ટીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમને મહાનગરપાલિકાએ લાકડું આપ્યું નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, અમારે સૌથી વધુ મૃતદેહ આવતા હોવાથી અને જરૂરિયાત રહે છે પણ અમને મળ્યું નથી.
ગોરડ સ્મશાનના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અમને દાતાઓએ આપ્યું પણ વાવાઝોડાના નીકળેલા લાકડા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યાં નથી.-ચીમન યાદવ, ટ્રસ્ટી, ગોરડ સ્મશાન
ચિત્રા GIDC સ્મશાનના ટ્રસ્ટી સાથે ETV Bharatની ટીમે લાકડાને લઇને વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લાકડું યુનિવર્સિટી અને રેલવેમાંથી આવ્યું છે, પરંતુ મહાનગરપાલિકામાંથી આવ્યું નથી.-યશપાલસિંહ ગોહિલ, ટ્રસ્ટી, ચિત્રા GIDC સ્મશાન
આ પણ વાંચોઃ અમદાવાદમાં તૌકતે વાવાઝોડા અંગે કંટ્રોલ રૂમ દ્વારા સતત કામગીરી, સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો
મેયરનું લાકડાને લઇને નિવેદન
ભાવનગરના મેયરે ખુદ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાનું લાકડું(Wood of cyclone) સ્મશાનમાં આપ્યું છે, પરંતુ સ્મશાનનો લાકડાં મળ્યાનો ઈન્કાર કરવાનો પ્રશ્ન પૂછતાં મેયર કીર્તિ દાણીધરીયાએ અધિકારી સાથે વાતચીત કરી પ્રત્યુતર આપ્યો હતો અને કહ્યું હતું કે, અધિકારી સાથે વાતચીત થઈ અને તેમણે કહ્યું મને યાદ નથી પણ તમને યાદી મંગાવીને આપીશ. બીજી તરફ અધિકારીઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આશરે 10થી 15 ટ્રક લાકડાના ભરાયા છે. જે સ્મશાનમાં પણ આપવામાં આવ્યા છે પણ હિસાબ રાખવાનો સમય રહ્યો નથી.
લાકડા બાબતે અંતમાં કમિશ્નર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તે સમયે સ્થિતિ નહોતી એટલે હિસાબ કે પહોંચ રાખવામાં આવી નથી, પરંતુ જે સ્મશાનોએ સંમતિ આપી તેમને મોકલવામાં આવ્યાં છે.- એમ.એ.ગાંધી, કમિશ્નર
મહાનગરપાલિકા અને સ્મશાનના ટ્રસ્ટીઓના વચ્ચે લાકડું ગાયબ
મહાનગરપાલિકાના અધિકારી અને કમિશ્નર સ્વીકારે છે કે, લાકડાં કોને આપ્યાં અને કેટલાં આપ્યાં તેનો હિસાબ રાખવામાં આવ્યો નથી. હવે પ્રશ્ન એક જ છે કે લાકડું સ્મશાનને આપ્યું તેમ મહાનગરપાલિકા કહે છે અને ટ્રસ્ટી એમ કહે છે તેમને મળ્યું નથી, તો હજારો મણ લાકડું ક્યાં ઘર કરી ગયું?