ભાવનગરઃ શહેરમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. શહેરમાં પોલીસ પરિવારમાં સામુહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે. વિજય રાજનગરમાં રહેતા પૂર્વ DYSPના પુત્રએ અને તેના પરિવારના સભ્યોએ સામુહિક જીવન ટૂંકાવી દીધું છે. બનાવને પગલે IGથી લઈને DSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. શહેરમાં અગાઉ પણ આ પ્રકારે બનેલા બનાવ બાદ ફરી આવી ઘટના બનતા ચારે તરફ ચર્ચા જાગી છે.

શહેરના વિજય રાજનગરમાં રહેતા પૂર્વ DYSP નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા તેની પત્ની અને તેની બે દીકરીઓ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતા. બનાવ અંગે સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સામુહિક આત્મહત્યા કરવામાં આવી છે, તો કેટલાકના મુખે પૃથ્વીરાજસિંહ જાડેજાએ દીકરીઓ અને તેની પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આત્મહત્યા કરવા માટે બંદુકનો સહારો લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરિંગથી મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. જો કે, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને પૂર્વ DYSP નરેન્દ્રસિંહ હાજર નહીં હોવાથી અને તેઓ બહારથી આવતા હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું હતું.

સામુહિક હત્યા પાછળનું કારણ આખરે શું છે, તેવી ચર્ચા લોકોમાં જાગી છે. કારણ કે મૃતકના પિતા પૂર્વ DYSP નરેન્દ્રસિંહ જાડેજા રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયેલા છે અને તેમના પુત્ર દ્વારા ભરવામાં આવેલા પગલાંને લઈ શહેરમાં ચારેતરફ ચર્ચાઓ પણ થઈ રહી છે.