- ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક
- ભરતસિંહ ગોહિલ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામ સિંહોરાને નિમવામાં આવ્યા
- પ્રમુખ નિમાઈ ગયા બાદ શુભેચ્છા પાઠવવા લોકોની ભીડ ઉમટી
ભાવનગર: જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક કાયદેસર સામાન્ય સભામાં સભ્યોના મતદાન બાદ કરવામાં આવી હતી. જેમાં ભરતસિંહ ગોહિલ પ્રમુખ અને ઉપપ્રમુખ ઘનશ્યામ સિંહોરાને નિમવામાં આવ્યા હતા. નિમણૂકમાં કોરોના મહામારીના નિયમોનો અમલ કરાવતી જિલ્લા પંચાયત ખુદ નિયમ ભૂલી ગઈ હતી. ત્યારે શું ગામડાઓમાં નિયમોનું પાલન કરાવશે તેવો સવાલ સત્તામાં બેઠેલા લોકો સામે ઉભો થયો હતો.
ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે જીત મેળવ્યા બાદ આજે પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી
ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે જીત મેળવ્યા બાદ આજે પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપે જાહેર કરેલા પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને થયેલા મતદાનમાં સોનગઢના ભરતસિંહ ગોહિલનો વિજય થતા તેમને પ્રમુખ અને ઘનશ્યામ સિંહોરાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ નિમાઈ ગયા બાદ શુભેચ્છા પાઠવવા લોકોની ભીડ ઉમટી હતી અને નિયમોના ચીથરા ઉડ્યા હતા.
આ પણ વાંચો: ભરૂચ જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખોની વરણી
પ્રમુખની વરણી બાદ ઉડ્યા કોરોનાના નિયમના ધજીયા
સામાન્ય સભામાં પ્રમુખ નિમાયા બાદ તેની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખ ભરતસિંહ ગોહિલ પહોંચ્યા હતા. જ્યાં તેમને વધાવવા માટે તેમના અનુયાયીઓ આવી પહોંચ્યા હતા. DDO અને પ્રમુખની ચેમ્બર બહાર ગેલેરીમાં એટલી ભીડ જામી હતી કે, કોરોનાના કોઈ નિયમ, ડિસ્ટન્સ જળવાયું ન હતુ. ચૂંટણીમાં રાજકીય પક્ષોએ લોકોને એકઠા કર્યા. રાજકીય પક્ષ અને કોરોનાના નિયમનું પાલન કરાવીને દંડ લેનારી સરકારી સંસ્થાઓમાં જ જ્યારે નિયમના ધજાગરા ઉડતા હોઈ ત્યારે કોણ પગલાં ભરશે તેવા સવાલો લોકોમાં ઉઠ્યા હતા.
આ પણ વાંચો: કેશોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી
કોંગ્રેસે પોતાના વિરોધ પક્ષના નેતા કર્યા જાહેર
જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા બાદ જિલ્લા પંચાયતમાં વિપક્ષની ભૂમિકામાં રહેલું કોંગ્રેસ આગામી દિવસોમાં પોતાનો વિરોધ નોંધાવશે. ત્યારે ગત ટર્મમાં રહેલા પદુભા ગોહિલ પુનઃ વિરોધપક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલમાં કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવ્યા બાદ હવે વિરોધ પક્ષના નેતા પોતાના સાથી 7 સભ્યોના સહારે આગામી 5 વર્ષ માટે પોતાની લડાઈ વિરોધપક્ષ તરીકે લડશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.
પ્રમુખ ભરતસિંહ ગોહિલે શું કર્યા વાયદાઓ
ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, પ્રથમ કોરોના વેક્સિન દરેક સેન્ટર પર સૌથી વધારે વૃદ્ધ લોકો લે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. રોડ, પાણી જેવી સમસ્યાઓનો હલ કરવામાં આવશે. છેવાડાના લોકોની રોડની સમસ્યાઓ હલ કરીશું. ખાસ ઉનાળાનો પ્રારંભ થતો હોવાથી એક પણ ગામડા પાણી વગરના ન રહે તેના માટે ખાસ પ્લાન બનાવીશું. સંગઠનના સભ્યોને સાથે રાખીને કામ કરવામાં આવશે.