- 21 ફેબ્રુઆરી મહાનગર પાલિકાની ચૂંટણી
- મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની માટે ચૂંટણી યોજાશે
- શહેરની પોલિટેકનિક સરકારી કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર
ભાવનગર: જિલ્લામાં મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને ભાવનગર ચૂંટણી અધિકારી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મતદાન કેન્દ્રો પર EVM મશીન પહોંચાડવા માટે ખાસ વોર્ડ પ્રમાણે EVM સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે. તેમજ મતદાન બાદ EVM મશીનને રાખવા પોલિટેકનિક સરકારી કોલેજ ખાતે પણ ખાસ રૂમની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
વોર્ડ પ્રમાણે સ્ટ્રોંગ રૂમની કરવામાં આવી વ્યવસ્થા
ભાવનગર શહેરમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાના 13 વોર્ડની માટે ચૂંટણી યોજાવાની છે જેને માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન કેન્દ્રો પર EVM મશીન પહોંચાડવા માટે વોર્ડ પ્રમાણેની ગોઠવણ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર 01 થી 03 એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વોર્ડ નંબર 04 થી 06 ધનેશ મહેતા સ્કુલ, ક્રેસન્ટ વોર્ડ નંબર 07 થી 10 શામળદાસ કોલેજ, વાઘાવાડી તેમજ વોર્ડ નંબર 11 થી 13 બી. એમ. કોમર્સ હાઇસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જે સ્ટ્રોંગ રૂમ પરથી EVM મશીનને મતદાન કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત મતદાન પૂર્ણ થયા બાદ સીલ કરેલ EVM મશીનને પોલિટેકનિક સરકારી કોલેજ ખાતે મતગણતરી સેન્ટરના સ્ટ્રોંગ રૂમમાં રાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.