ભાવનગર: "જેમને પણ અવાજ કરવો હોય ક્લાસની બહાર જતા રહો!" વર્ગખંડમાં શિક્ષકોની ગેરહાજરીમાં ધમાલ કરતા અને તેઓ પ્રવેશે ત્યારે ચૂપ થઇ જતા બાળકો હાલમાં ઓનલાઇન ક્લાસની મગજમારીમાં સમય વ્યતીત કરી રહ્યા છે. કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા જે રીતે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી તેમાં બાળકોને એક લાંબુ વેકેશન મળી ગયું હતું. પરંતુ દરરોજ ઘરમાં શું કરવું તે વિચારી વિચારીને કંટાળતા બાળકો હવે સ્કૂલના બેલને યાદ કરી ફરી ક્યારે શાળાઓ શરૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે.
બદલાઇ રોજિંદી દિનચર્યા
શાળામાં પ્રવેશી શિક્ષકને નમન કરવું, પ્રાર્થનાસભાઓ તેમજ શારીરિક કસરતો કરવી, રિસેસમાં મિત્રો સાથે ભેગા જમવું, બહેનપણીઓ સાથે ગપ્પા મારવા જેવી પ્રવૃત્તિઓ બાળકોની રોજિંદી દિનચર્યાનો ભાગ હતી. પરંતુ લોકડાઉનને લીધે તે પણ બંધ થઈ જતા હવે બાળકો ઘરમાં જ શાળાનો પહેરવેશ પહેરીને મન મનાવી રહ્યા છે.
વર્ગખંડોમાં છવાયો સૂનકાર
તોફાની વિદ્યાર્થીઓના કલબલાટનો જે ગુંજારવ સમગ્ર શાળામાં પડઘાતો ત્યાં હવે સૂનકાર જોવા મળી રહ્યો છે. બેલ વાગતા જ ક્લાસની બહાર નીકળવા માટે પડાપડી કરતા બાળકો વગર શિક્ષકો પણ ખાલીપાનો અનુભવ કરી રહ્યા છે.
નબળા અને વિકલાંગ વિદ્યાર્થીઓને વધુ નુકસાન
લોકડાઉનમાં શાળાઓમાં રજા પડી ત્યારે શરૂઆતના દિવસોમાં તો બાળકોને મજા પડી ગઇ, પણ બાદમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના વાર્તાલાપની સાંકળ તૂટી ગઇ. શિક્ષકો જ્યારે વર્ગખંડમાં ભણાવતા હોય ત્યારે કોઇ વિદ્યાર્થી જો વિષય સમજવામાં ગૂંચવાય તો તરત જ તેઓ શિક્ષકોને પૂછી લેતા તેમજ શિક્ષકો પણ નબળા તેમજ વિકલાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ધ્યાન આપી શકતા. ઓનલાઇન વર્ગોમાં ભણતર તો અટ્ક્યું નથી પરંતુ બાળકોમાં મેદસ્વીતા, આંખોને નુકસાન જેવી અન્ય તકલીફો પણ ઉભી થઇ છે. જે તેમના માટે નાની ઉંમરે અત્યંત હાનિકારક સાબિત થઇ શકે તેમ છે.
ભાવનગરથી ચિરાગ ત્રિવેદીનો વિશેષ અહેવાલ...