- ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવાયાં
- શહેરમાં બે સ્થળો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું
- 45 જેટલા કાચા પાકા મકાનોને ધરાશાયી કરવામાં આવ્યાં
ભાવનગરઃ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવી રહ્યાં છે. મહાનગરપાલિકામાં વહીવટદાર નીમાય ગયા બાદ દબાણ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગરના સિંધી રસાલા કેમ્પ અને ભરતનગર ત્રણ માળિયામાં બુલડોઝર ફરી વળ્યા છે. શહેરમાં બે સ્થળો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
સિંધી રસાલા કેમ્પ પાસે દબાણ હટાવાયું
ભાવનગરના જવાહર મેદાન સામે ડીએસપી ઓફીસ પાસેથી જતો નાનકડો રસ્તો હકીકતમાં 9 મીટરનો માર્ગ છે. આ માર્ગને સ્પર્શીને રેલવેની જમીન આવેલી છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના દબાણ સેલ દ્વારા બુધવારે પોલીસ તંત્રને સાથે રાખી દબાણ કાર્ય શરુ કર્યું હતું. અધિકારીએ અગાવ નોટીસો આપ્યા બાદ જમીન ખાલી નહી થતા રસ્તો ખુલ્લો કરવા માટે 45 જેટલા કાચા પાકા મકાનોને ધરાશાયી કરવામાં આવ્યાં હતા.
ભરતનગર ત્રણ માળિયામાં ખંડેર મકાનો પર બુલડોઝર ફેરવાયું
ભાવનગરના ભરતનગરમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ખંડેર બની ગયા હતા, તેથી મહાનગરપાલિકાએ હાલ આ ખંડેર મકાનો નિયમ પ્રમાણે જર્જરિત હોવાથી ધરાશાયી કરી દીધા છે. આ મકાનો નવા બનાવવા માટે અગાવ આંદોલન થયેલા છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા કાર્યવાહીની હૈયા ધારણા આપેલી છે, ત્યારે વર્ષો પછી તંત્રને ચૂંટણી ટાણે ખંડેર મકાનો ધરાશાયી કરવા પાછળ આખરે સત્ય શું છે વર્ષોથી માંગ અને આંદોલન બાદ પણ કાર્યવાહી થઇ નહિ તે મકાનો હવે ચૂંટણી ટાણે અચાનક ધરાશાયી કરવા પાછળ પણ અનેક ચર્ચાઓ થઇ રહી છે.