- મગફળીનો મબલખ પાક તો પણ સિંગતેલના ભાવ ભડકે બળ્યાં
- વિપક્ષે આક્ષેપ કર્યો ભાવ ઘટવા જોઇએ
- શાસક પક્ષે કહ્યું કે, પ્રજાહિતમાં સરકાર પગલાં ભરી રહી છે
ભાવનગરઃ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મબલખ આવક મગફળીની થઈ છે. યાર્ડમાં મગફળીના લાવવા માટે ત્રણ ત્રણ વખત મનાઈ કરવી પડી છે. છતાં આવક હજુ ચાલુ છે. પણ નવાઈની વાત એક જ છે કે, ઘરે ઘરમાં જરૂરિયાતવાળા સિંગતેલના ડબ્બામાં મગફળીની આવક સામે ઘટાડો થવાને બદલે વધારો થયો છે. 2400 સુધી ભાવ થઈને પાછા વળ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસે પ્રહાર કર્યો છે કે, ચીનમાં નિકાસ ત્યારે કરાય જ્યારે ઘરમાં પૂરું પડી રહે. આ તો ઘરના ઘંટી ચાંટે અને પાડોશીને આંટો આપે તેવો ઘાટ થયો કહેવાય માટે સરકારે પહેલા મધ્યમ ગરીબ વર્ગને ધ્યાનમાં લઈ સિંગતેલના ભાવ કાબુમાં લેવા જોઈએ અને બાદમાં નિકાસ કરવી જોઈએ હાલમાં તહેવારોમાં ગરીબોને સિંગતેલ આરોગવું મુશ્કેલ બની ગયું છે.
- નાગરિકના સિંગતેલ મામલે જવાબ
ભાવનગર યાર્ડમાં હાલમાં મગફળી નહીં લાવવાનો આદેશ કરવામાં આવ્યો છે તો દિવાળી જેવા તહેવારને 10 દિવસ પણ રહ્યા નથી. ત્યારે સિંગતેલમાં ભડકે બળતા ભાવને કારણે લોકોને તહેવાર ઉજવવામાં હાલાકી ઉભી થવાની છે. સિંગતેલના ભાવ તહેવારોમાં ઊંચા જાય પરંતુ આટલી હદે જાય તે વ્યાજબી નથી.
- નાગરિકના મતે શું કરવું જોઈએ સરકારે
ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનો મબલખ પાક છે ત્યારે સરકારે પહેલા દેશમાં સિંગતેલના ભાવ ઓછા થાય તેવા પગલાં ભરે અને બાદમાં નિકાસ. કારણ કે હાલ મહામારીમાં કોઈ પાસે પૈસા રહ્યાં નથી અને રોજગારીનું સાધન પણ ઓછું છે તેથી સરકારે પ્રજાહિતમાં પગલાં લેવા જરૂરી છે.
- વિપક્ષના વાર પર ભાજપનો જવાબ
મગફળીની મબલખ આવક થઈ છે ત્યારે ખેડૂતોને કમાણી થાય તેવા હેતુથી નિકાસને સરકારે મંજૂરી આપી છે. જેથી કરીને ખેડૂત સધ્ધર બની શકે તો સિંગતેલ પર હાલમાં ભાવ ઘટવાની શરૂઆત થઈ છે અને તહેવાર તેમ જ તહેવાર બાદ ભાવ ઉતરશે અને પ્રજાને પણ ફાયદો થશે એટલે કોંગ્રેસના આક્ષેપ હશે પણ સરકાર બે બાજુ વિચાર કરીને પગલાં ભરી રહી છે.