- GIDC આસપાસના વિસ્તાર કાળી ધૂળથી અને દુર્ગંધથી ત્રાહિમામ
- ભાવનગરની ચિત્રા GIDCમાં આવી રહી છે દુર્ગંધ અને ધૂળ
- વારંવાર રજૂઆત બાદ પ્રશ્નનો હલ થતો નથી
ભાવનગર: ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ચિત્રા GIDCમાંથી ઊડતી કાળી ધૂળથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, આરોગ્ય સાથે થઈ રહેલા ચેડાથી હવે લોકો છુટકારો માગે છે. ક્યારેક આવતી કેમિકલની દુર્ગંધથી પણ ગૂંગળામણ અને માથાના દુખાવાની ફરિયાદો સામે આવી છે. ત્યારે તંત્ર આ અંગે કાર્યવાહી કરે અને લોકોને આ સમસ્યાથી છૂટકારો મળે તેવી લોકોની માગ છે.
ઊડતી કાળી ધૂળથી શું થાય છે સમસ્યા
ભાવનગરના પશ્ચિમ મત વિસ્તારમાં આવેલી ચિત્રા જીઆઇડીસી વર્ષોથી છે, વધતા વિકાસને પગલે હવે એક દિશા ઉત્તરની છોડી જીઆઇડીસીની અન્ય ત્રણ દિશામાં હજારો લોકો વસવાટ કરી રહ્યા છે. રહેણાક વિસ્તારોમાં ઘણા વર્ષોથી જીઆઇડીસીમાં કોઈ કારખાનામાંથી કાળી ધૂળ ઉડે છે અને આસપાસના દરેક વિસ્તારના ઘરમાં કાળી ધૂળનું સામ્રાજ્ય જામી જાય છે, ઘરના ધાબા પર કાળું ધૂળ તો ઘરના આંગણામાં કાળી ધૂળને પગલે લોકો પરેશાન છે અનેક રજૂઆત છતા પરિણામ શૂન્ય છે.
ધૂળ અને સાથે આવે છે કેમિકલની દુર્ગંધ
ભાવનગર જીઆઇડીસીની આજુબાજુમાં આશરે 15થી વધારે સોસાયટીઓ આવેલી છે, દરેકના ઘરમાં આ તકલીફ છે. ધૂળની સમસ્યાનો તો હલ નથી થઇ એવામાં ક્યારેક કેમિકલની ભયંકર દુર્ગંધથી શ્વાસો શ્વાસમાં તકલીફો ઉભી થાય છે. કલેકટર કક્ષા સુધી રજૂઆત પણ પરિણામ શૂન્ય છે. ત્યારે કાળી ધૂળને પગલે લોકોને મુશ્કેલી એવી છે કે સ્નાન કરીને બહાર નીકળો છતા પગ કાળા થઈ જાય છે. વૃદ્ધ લોકોને ઊડતી અને નહિ દેખાતી ધૂળને પગલે શ્વાસની તકલીફો થવાના કિસ્સા છે, લોકોનું કહેવું છે કે અમને આવી તકલીફમાંથી છુટકારો ક્યારે મળશે.
આ મુદ્દે તંત્ર શું કહે છે?
ભાવનગરમાં જીઆઇડીસીની સમસ્યાને વારંવાર ગુજરાત પોલ્યુશાન બોર્ડ સમક્ષ ફરિયાદ રૂપે રજૂઆતો થઈ છે, પણ પરિણામ શૂન્ય છે. ટેલિફોનિક વાતચીતમાં અધિકારીએ જણાવ્યું કે, તેઓ દ્વારા ફરી સર્વે કરવામાં આવશે અને કોઈ સમસ્યા દેખાશે તો પગલા ભરવામાં આવશે અને કેમિકલની આવતી દુર્ગંધ પગલે નોટિસ આપી ઊચ્ચ કક્ષાએ કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમયમાં તેની સામે પણ કાર્યવાહી થઈ જશે જો કે ધૂળ બાબતે તો તંત્ર પ્રજા પાસે અપેક્ષા રાખે છે કે કઈ કંપની કે કારખાનું છે તે બતાવે ત્યારે પ્રશ્ન ઉભો એ થાય છે કે સરકાર પગાર શા માટે આપે છે કે પ્રજાને કહેવું પડે આ સમસ્યા છે અને તે આ ઉદ્યોગકારના કારણે છે જવાબદારી જવાબદાર તંત્રની છે કે સમસ્યાનું કારણ શોધે અને આગળની કાર્યવાહી હાથ ઘરે.