- રસ્તા પર કચરો ફેલાવતા મનપાના વાહનો
- પ્રજાને કચરો ન ફેંકવાના પાઠ ભણાવતી ભાવનગર મહાનગરપાલિકાએ જ કર્યો નિયમોનો ભંગ
- શું ભાવનગર મહાનગરપાલિકા પોતાની ભૂલો માટે દંડ ભરશે?
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાએ કચરો ફેલાવતા લોકો સામે CCTV દ્વારા દંડ ફટકારવાનો પ્રારંભ કર્યો છે પરંતુ હવે કાયદાનું પાલન કરાવનાર અને જાહેરમાં કચરો નહીં ફેકવાનું કહીને દંડ લેનારા જો પોતે જ પોતાના કાયદાનું ઉલ્લંઘન કરે તો તે માટે કોઇ પ્રકારની કાર્યવાહી થતી નથી.
પ્રજાને દંડ કરતા પહેલા પોતાની ભૂલ સુધારવા શાસકનો જવાબ
ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ 22 વર્ષથી શાસન કરી રહ્યું છે પણ હજુ સુધી કચરાનો નિકાલ 22 વર્ષમાં કરી શક્યું નથી. દર પાંચ વર્ષે નવી બોડી આવે અને પ્રજાને કચરો જાહેરમાં ન નાખોના પાઠ ભણાવે છે પરંતુ જ્યારે મહાનગરપાલિકાના વાહનો પોતે કચરો જાહેર રસ્તા પર ઢોળતા જાય છે ત્યારે અમલવારી નરમ જ રહે છે. અનેકવાર આ અંગે મનપાનું ધ્યાન દોરાવા છતાં એની એ જ ખુલ્લા ટ્રેકટરમાં કચરો લઈ જવાની પ્રથા ચાલુ છે.
સોલીડવેસ્ટ વિભાગના અધિકારીઓનો ખુલાસો
મહાનગરપાલિકાના સોલીડવેસ્ટ વિભાગના અધિકારી જયેશ સોમપુરાએ આ અંગે જણાવ્યું હતું કે હાલ દરેક કોન્ટ્રાક્ટરને આદેશ આપવામાં આવ્યો છે કે મહિના-દોઢ મહિનામાં ઢાંકણાવાળા ટ્રેક્ટર જ ચાલશે, આથી વાહનો બદલાવી નાખવા ત્યારે બીજો સવાલ એ હતો કે શું દોઢ મહિના સુધી ટ્રેકટર સામે પગલાં નહિ ભરાય ? તો અધિકારીએ કહ્યું હતું કે એની સામે પણ પગલાં ભરવામાં આવશે જ, કાયદો બધા માટે સરખો જ છે.