- 2 ડૉક્ટરોની બદલી થતા માત્ર 3 ડૉકટરોના સહારે કામ ચલાવાઈ રહ્યું છે
- સ્ટાફ 50 ટકા થઈ જતા ઓપરેશનોમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો
- છેલ્લા 3 મહિનામાં કુલ 874 ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે
ભાવનગર: સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ હેઠળ મૂકવામાં આવતા એનેસ્થેસિયાના ડૉક્ટરોની હાલ અછત ઉભી થઇ છે. જેથી ગાંધીનગર કક્ષાએથી જિલ્લાની સરકારી હોસ્પિટલોને સુઆયોજિત ઓપરેશનો બંધ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે ભાવનગરમાં 2 ડૉક્ટરોની બદલી બાદ સ્ટાફ 50 ટકા થઈ જતા ઓપરેશનોમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સર ટી હોસ્પિટલમાં ઓપરેશનો પર ગાંધીનગરથી લાગી બ્રેક
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ આવે છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા પૂર્વઆયોજીત ઓપરેશનો પણ કરવામાં આવતા હોય છે. હાલમાં આરોગ્ય વિભાગ હેઠળના એનેસ્થેસિયાના ડૉક્ટરોની આવેલી અછતના પગલે પૂર્વઆયોજિત ઓપરેશન નહિ કરવાનો આદેશ કર્યો છે. જોકે, હોસ્પિટલ દ્વારા જરૂરિયાત હોય તેવા જ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. વડી કચેરીના આદેશ બાદ 50 ટકા સ્ટાફ વચ્ચે ઓપરેશનની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ઓપરેશનમાં કેવો ઘટાડો અને ભાવનગરમા અસર શા માટે?
ભાવનગરની સર ટી હોસ્પિટલના બે એનેસ્થેસિયાના ડૉક્ટરોની બદલી વડનગર ખાતે કરવામાં આવી છે. જેથી 5માંથી હાલ 3 એનેસ્થેસિયા આપનારા તબીબ હોવાથી 30 ટકા ઘટાડો ઓપરેશનમાં નોંધાયો છે. ફેબ્રુઆરીમાં 506 મેજર ઓપરેશન હતા. જે 17 માર્ચ સુધી 212 જેટલા થયા છે. જ્યારે ફેબ્રુઆરી 2021માં માઇનોર 1243 ઓપરેશન હતા. અર્થાત સ્ટાફની અછત અને વડી કચેરીના આદેશ બાદ ઓપરેશનોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.