ભાવનગર: બાળકોને ખેતીવાડી અને તેને લગતી પ્રક્રિયાઓ અંગેનું જ્ઞાન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભાવનગરની 55 શાળાઓમાં કિચન ગાર્ડનનો પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ બાળકો જાતે જ શાકભાજી ઉગાડીને તેમાં રહેલા પોષકતત્વોનું મહત્વ સમજતા થાય તેવો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો છે.
જે એક રીતે બાળકોના વિકાસ માટે ફાયદાકારક છે પરંતુ ખરેખર આ પ્રોજેક્ટનો અમલ કેટલી શાળાઓમાં થઇ શકશે તે એક સવાલ છે.
મોટાભાગની શાળાઓ એવી છે જેમાં રમતગમત માટે પણ મેદાનોનો અભાવ છે, તેવામાં કિચન ગાર્ડન માટે પણ મહા મુસીબતે જમીન મળે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવો વ્યર્થ છે કારણકે ત્યાંના બાળકો પહેલેથી જ આ કાર્યમાં પરોવાયેલા હોય છે. જ્યારે શહેરી વિસ્તારમાં અમલીકરણ માટે શાળાઓ પાસે જમીન નથી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની 55માંથી 10 શાળાઓના બિલ્ડીંગમાં કાગળ પર આ પ્રોજેક્ટ માટે હસ્તાક્ષર થયા છે પરંતુ અધિકારીઓએ અમલીકરણ થશે કે કેમ તે જાણવા માટે સર્વે કે તેને લગતી કોઇપણ કાર્યવાહી કરાવવાની તસ્દી લીધી નથી.
એક તરફ જ્યાં શાળાઓમાં મધ્યાહ્ન ભોજન માટે તો રાજ્ય સરકાર દ્વારા પહેલેથી જ અક્ષયપાત્ર જેવી કંપનીઓને કોન્ટ્રાકટને આપેલા છે, તેવામાં આ પ્રકારના પ્રોજેક્ટ કેટલા સાર્થક છે તેવા પણ પ્રશ્નો ઉભા થયા છે.
- ભાવનગરથી ચિરાગ ત્રિવેદીનો વિશેષ અહેવાલ